નવી દિલ્હીઃ આગામી 2 જૂનથી વેસ્ટઈન્ડિઝ અને અમેરિકામાં ટી20 વિશ્વકપ શરૂ થઈ રહ્યો છે. આ પહેલા ઝિમ્બાબ્વેના સ્ટાર ઓલરાઉન્ડર સીન વિલિયમ્સએ ટી20 ફોર્મેટમાં નિવૃત્તિની જાહેરાત કરી છે. તાજેતરમાં બાંગ્લાદેશ સામે ટી20 સિરીઝમાં ઝિમ્બાબ્વેને 4-1થી પરાજ્યનો સામનો કરવો પડ્યો હતો. હવે આ પરાજ્ય બાદ વિલિયમ્સની નિવૃત્તિથી ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે. જો કે, રિપોર્ટ અનુસાર, સીન વિલિયમ્સ વન-ડે અને ટેસ્ટ ફોર્મેલમાં રમતા રહેશે.
સીન વિલિયમ્સના નામે એક એવો રેકોર્ડ છે જે રોહિત શર્મા, વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને ક્રિસ ગેલ જેવા મહાન ખેલાડીઓ હાંસલ કરી શક્યા નથી. સીન વિલિયમ્સ એવો ખેલાડી છે જેણે બીજા સૌથી લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય T20 રમી છે. આ ખેલાડીની આંતરરાષ્ટ્રીય T20 કારકિર્દી 17 વર્ષ અને 166 દિવસ સુધી ચાલી છે. માત્ર શાકિબ અલ હસન જ સીન વિલિયમ્સ કરતાં વધુ સમય આંતરરાષ્ટ્રીય T20 રમી શક્યો છે. જોકે, રોહિત શર્મા અને મહમુદુલ્લાહ 17મા વર્ષમાં છે જ્યારે વિરાટ કોહલી 14મા વર્ષમાં છે. તેથી, આ ખેલાડીઓ પાસે સીન વિલિયમ્સને પાછળ છોડવાની તક છે, પરંતુ હાલમાં તે ટોચ પર છે.
સીન વિલિયમ્સની આંતરરાષ્ટ્રીય ટી-20 કારકિર્દી પર નજર કરીએ તો આ ખેલાડીએ 81 મેચોમાં ઝિમ્બાબ્વેનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં આ ખેલાડીએ બેટ્સમેન તરીકે 126.38ના સ્ટ્રાઈક રેટથી 1691 રન બનાવ્યા હતા. આ સિવાય સીન વિલિયમ્સના નામે ઈન્ટરનેશનલ ટી20 મેચોમાં 48 વિકેટ છે. સીન વિલિયમ્સ 28 નવેમ્બર 2006ના રોજ પ્રથમ વખત ઝિમ્બાબ્વે માટે T20 રમ્યો હતો. તેણે ખુલનામાં બાંગ્લાદેશ સામે છેલ્લી T20 રમી હતી. આ રીતે, ઝિમ્બાબ્વેના આ દિગ્ગજની કારકિર્દી 17 વર્ષથી વધુ ચાલી છે.