Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP વચ્ચે જોડાણની ટૂંક સમયમાં જાહેરાત કરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપની જેમ કોંગ્રેસ દ્વારા પણ પ્રચારનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં ઉમેદવોરની પસંદગીની કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે. બીજીબાજુ કોંગ્રેસ દર વખતની જેમ આ વખતે પણ એનસીપી સાથે જોડાણ કરશે, કોંગ્રેસ અને એનસીપી આ અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરશે. એનસીપી તરફથી 10 બેઠક કોંગ્રેસ પાસે માંગવામા આવી છે. જોકે કોંગ્રેસ બેથી વધુ બેઠકો આપવા માગતી નથી.

 સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભા ચૂંટણીને અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે  વિવિધ રાજકીય પક્ષો પોતાની બેઠક વધારવા માટેની રાજનીતિ તેજ કરી રહ્યા છે. હવે ચૂંટણી પહેલા કોંગ્રેસ અને NCP વચ્ચે  જોડાણની ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં  NCP અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બેઠક પણ મળી હતી. જેમાં NCP દ્વારા કુલ 10 બેઠકોની માગ કરવામાં આવી હોવાનું કહેવાય છે. જેમાં સૌરાષ્ટ્રની ત્રણ બેઠક અને દક્ષિણ ગુજરાતની બેથી ત્રણ બેઠક સહિતની અન્ય ચાર બેઠકની માગ કરવામાં આવી છે. જો કે, કોંગ્રેસ 10 બેઠકને લઇને હજુ સુધી સહમત નથી થઇ, એટલે જ બંને પક્ષ વચ્ચે વાતચીતનો દૌર હજુ પણ ચાલુ છે. માનવામાં આવી રહ્યુ છે કે ચારથી પાંચ બેઠક અથવા તો તેનાથી પણ ઓછી બેઠક પર કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થાય. એટલે કે આ બંને પક્ષ  ગુજરાત વિધાનસભાની ચૂંટણી સાથે લડતા જોવા મળી શકે છે. કોંગ્રેસ દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે જ્યાં NCPનું પ્રભુત્વ જોવા મળી રહ્યુ છે. કમ સે કમ એ બેઠક પુરતુ NCP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઇ શકે છે. જોકે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. જો બંને પક્ષ વચ્ચે બધુ જ યોગ્ય રહેશે તો ટૂંક સમયમાં આ જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે.