કાવડ યાત્રા મામલે યોગી સરકારના નિર્ણયથી નારાજ થયા NDAના સહયોગી દળો, કહ્યું આ નિર્ણય બિલકુલ અયોગ્ય
સમગ્ર ઉત્તરપ્રદેશમાં કાવડ યાત્રાના રૂટ પર આવતા તમામ હોટલ, ઢાબા અને ભોજનાલયોને તેમના માલિકો અથવા આ દુકાનો પર કામ કરતા લોકોના નામ દર્શાવવાનો આદેશ આપવામાં આવ્યો છે, જે નિર્ણયથી ખુદ NDAના સહયોગી દળો પણ નારાજ છે.. ભાજપના સહયોગી પક્ષોએ તેના પર પ્રહારો કર્યા છે.
કે.સી.ત્યાગી
જેડીયુએ કહ્યું કે યુપી સરકારનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબકા સાથ, સબકા વિકાસના મંત્રની વિરુદ્ધ છે. પાર્ટીના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ કહ્યું, “આ મુસ્લિમોને ઓળખવા અને લોકોને તેમની પાસેથી સામાન ન ખરીદવા માટે પ્રોત્સાહિત કરવા જેવું છે. આ પ્રકારનો આર્થિક બહિષ્કાર સમાજ માટે અયોગ્ય છે. વાસ્તવમાં, આ પીએમ મોદીના ‘સબકા સાથ, સબકા” સાથે સુસંગત નથી. નીતીશ કુમારની સરકારે ક્યારેય આવો આદેશ પસાર કર્યો નથી. એનડીએના સહયોગી તરીકે, આ મુદ્દો ઉઠાવવાની અમારી ફરજ છે.
રામાશિષ રાય
યુપીમાં ભાજપના સહયોગી આરએલડીએ પણ યોગી સરકારના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે. આરએલડીએ કહ્યું કે સરકારે તેને પાછો ખેંચી લેવો જોઈએ, કારણ કે આ નિર્ણય ગેરબંધારણીય છે. આરએલડી યુપીના પ્રમુખ રામાશિષ રાયે કહ્યું, “આવો ભેદભાવ અને એક સમુદાયને બાકાત રાખવાથી ભાજપ અને રાજ્યનું કંઇ ભલું થશે નહીં. કેટલાક પોલીસ અધિકારીઓ અને અમલદારો સરકારને ગેરમાર્ગે દોરે છે અને હું મુખ્યમંત્રીને આ પ્રકારના આદેશો પાછા ખેંચવા વિનંતી કરું છું.”
રામાશીષ રાયે એક ટ્વિટમાં કહ્યું, “ઉત્તર પ્રદેશ પ્રશાસન દ્વારા દુકાનદારોને તેમની દુકાનો પર તેમનું નામ અને ધર્મ લખવાની સૂચના સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપવાનું પગલું છે. પ્રશાસને તેને પાછું ખેંચવું જોઈએ. આ એક ગેરબંધારણીય
નિર્ણય છે.”
જાતિ કે ધર્મના નામે કોઈ ભેદભાવનું સમર્થન કરતું નથીઃ ચિરાગ પાસવાન
એલજેપી પ્રમુખ ચિરાગ પાસવાને ખાણીપીણીના માલિકોને તેમના નામ દર્શાવવા માટે મુઝફ્ફરનગર પોલીસના આદેશનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે અને કહ્યું છે કે તેઓ જાતિ અથવા ધર્મના નામે ભેદભાવને ક્યારેય સમર્થન નહીં આપે. પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ મુઝફ્ફરનગર પોલીસના આદેશ સાથે સહમત છે. આના પર તેમણે કહ્યું, “ના, હું બિલકુલ સંમત નથી.”
ચિરાગે જણાવ્યું હતું કે સમાજમાં અમીર અને ગરીબ એમ બે વર્ગના લોકો છે અને આ બંને શ્રેણીમાં વિવિધ જાતિ અને ધર્મના લોકો આવે છે. પાસવાને કહ્યું, “આપણે આ બે વર્ગના લોકો વચ્ચેનું અંતર ઓછું કરવાની જરૂર છે. ગરીબો માટે કામ કરવાની દરેક સરકારની જવાબદારી છે, જેમાં દલિત, પછાત વર્ગ, ઉચ્ચ જાતિ અને મુસ્લિમો જેવા સમાજના તમામ વર્ગોનો સમાવેશ થાય છે. સમાજમાં દરેક વ્યક્તિ માટે આપણે કામ કરવાની જરૂર છે. તેમણે કહ્યું, “જ્યારે પણ જાતિ અથવા ધર્મના નામે આવો ભેદભાવ થાય છે, ત્યારે હું ન તો તેનું સમર્થન કરું છું કે ન તો તેને પ્રોત્સાહિત કરું છું.