દિલ્હીઃ- અમરનાથ યાત્રા સતત ખરાબ હવામાનને કારણે બીજા દિવસે અટકાવવામાંઆવી છે કાશ્મીરમાં અવિરત વરસાદને કારણે શનિવારે બીજા દિવસે પણ અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. તીર્થયાત્રીઓને બેઝ કેમ્પ બાલતાલ અને પહેલગામથી આગળ જવા દેવામાં આવ્યા ન હતા. જેના કારણે બંને બેઝ કેપમાં દસ હજારથી વધુ શ્રદ્ધાળુઓ ફસાયેલા છે.
વહીવટીતંત્ર યાત્રાને લઈને સતત માર્ગદર્શિકા જારી કરી રહ્યું છે.હવામાનના વલણને જોતા વહીવટીતંત્ર યાત્રા પર વિચાર કરી રહ્યું છે. હવામાન વિભાગે 24 કલાક માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
જાણકારી પ્રમાણે આ પહેલા શુક્રવારે જમ્મુથી પહેલગામ જઈ રહેલા 4600 મુસાફરોના જથ્થાને રામબન જિલ્લાના ચંદ્રકોટ યાત્રી નિવાસ ખાતે રોકી દેવામાં આવ્યા હતા. બાલતાલ રૂટના 2639 શ્રદ્ધાળુઓને આગળ જવાની મંજૂરી આપવામાં આવી હતી.
યાત્રા ટ્રેક પર પહેલાથી જ રોકાયેલા 2670 યાત્રીઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. બાલતાલ રૂટ પર રેલપથરી પાસે ભૂસ્ખલનને કારણે યાત્રા રૂટને નુકસાન થયું છે. ગુરુવાર રાતથી ભારે વરસાદને કારણે પવિત્ર અમરનાથ ગુફાની સાથે યાત્રાના બંને રૂટ પર યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું કે 3,200 મુસાફરોને નુનવાન પહેલગામ કેમ્પમાં અને 4,000ને બાલટાલ ખાતે રોકવામાં આવ્યા છે. બાલતાલ બેઝ કેમ્પથી પવિત્ર ગુફા તરફ જતા માર્ગ પર રેલપાથરી ઝેડ ટર્ન પર ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું.જેને લઈને આજે પણ યાત્રા અટકાવવામાં આવી છે.