Site icon Revoi.in

AMC કમિશનરે રિવ્યુ મિટીંગમાં સ્વચ્છતા, રોડ-રસ્તા, પાણીના પ્રશ્ને અધિકારીઓને ખખડાવ્યાં

Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કમિશનર દ્વારા વિવિધ કામોની સમીક્ષા માટે અધિકારીઓની રિવ્યુ બેઠક મળી હતી. આ બેઠકમાં રોડ-રસ્તાના કામો, ડ્રેનેજના પ્રશ્નો, સ્વચ્છતા અને પાણીના પ્રશ્નોમાં નાગરિકોની ફરિયાદોના મુદ્દે કમિશનરે અધિકારીઓને ખખડાવ્યા હતા.દરમિયાન શહેરને વધુ સ્વચ્છ બનાવવા કામગીરી પર ધ્યાન આપવા જરૂરી સુચના આપવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાં રોડ રસ્તાની સફાઈ, ગેરકાયદેસર દબાણો દુર કરાવવા સહિતની કામગીરી અને વિવિધ પ્રકારની સત્તા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને સોંપ્યા બાદ પણ યોગ્ય પરિણામ ન જણાતાં મ્યુન્સિપલ કમિશનરે વિકલી રીવ્યુ બેઠકમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને ઠપકો આપ્યો હતો. મ્યુનિ.કમિશનરે બેઠકમાં અધિકારીઓને સુચના આપતા કહ્યું હતું કે,  તમને મેં તમામ સત્તા આપી છે, તેમ છતાં પણ હજી સુધી જોઈએ તેવી કામગીરી જણાતી નથી. જેથી હવે હું આ તમારી કામગીરી ઉપર નજર રાખીશ. શહેરના મુખ્ય રસ્તાઓ ચોખ્ખા જણાય છે. પણ હજુ આંતરીક રસ્તાઓ પર ગંદકી જોવા મળી રહી છે. ત્યારે સમગ્ર શહેરને ચોખ્ખું રાખવા માટે યોગ્ય કામગીરી કરવી જોઈએ.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ- 2024ને ગણતરીને દિવસ બાકી રહ્યા છે. અને મહાનુભાવો જે રસ્તાઓ પરથી પાસર થવાના છે. તે રૂટના રસ્તાઓ પર યોગ્ય સફાઇ, લાઇટીંગ સહિતની સુવિધાઓ યોગ્ય રાખવા માટે સુચના આપવામાં આવી હતી. આસિ. મ્યુનિ. કમિશનરોની જવાબદારીઓ છે કે સફાઇ કામદારો પોતાની બીટમાં યોગ્ય કામગીરી કરે છે કે કેમ? તેની યોગ્ય દેખરેખ રાખવાની રહેશે. શહેરના પ્રવેશ દ્વાર પર પણ સફાઇનો અભાવ જોવા મળી રહ્યો છે. કર્મચારીની બાયોમેટ્રીક પદ્ધતીથી હાજરી પુરવા પણ તેમણે સૂચના આપી હતી.