Site icon Revoi.in

અમદાવાદમાં મલ્ટિપ્લેક્સના સંચાલકોએ બાંયેધરી આપતા AMCએ સીલ ખોલી આપ્યાં

Social Share

અમદાવાદઃ રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદમાં ફાયર વિભાગ સક્રિય બન્યુ હતુ. જેમાં શાળા-કોલેજો, હોસ્પિટલો, હોટલો, મલ્ટિપ્લેક્સ સહિત ફાયર એનઓસી અને બીયુ પરમિશન વિનાની મિલકતો સામે કાર્યવાહી કરી તેને સીલ કરવામાં આવી હતી. હવે ધીરેધીરે કડક કાર્યવાહી કરી સીલ કરવામાં આવેલી મિલકતોને ખોલી આપવામાં આવી રહી છે. જોકે મિલ્કતધારકો સ્ટેમ્પપેપર પર પુરતી બાંયેધરી આપ્યા બાદ મ્યુનિ. દ્વારા સીલ ખોલવામાં આવી રહ્યા છે.

એએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં બીયુ પરમિશન અને ફાયર વિનાના 25 જેટલાં મિની મલ્ટિપ્લેક્સને સીલ કરવામાં આવ્યા હતા, જેને ગઈકાલે ખોલી આપવાની પરમિશન આપી દેવામાં આવી હતી. 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લેખિત બોન્ડ અને 15000 રૂપિયા સુધીનો દંડ વસૂલ કરી તમામ મિની મલ્ટિપ્લેક્સને ખોલી આપવામાં આવ્યા છે.

એએમસીના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વેલિડ ફાયર એનઓસી અને બી યુ પરમિશન તેમજ પ્લાન પાસ સહિતની પરવાનગી ન ધરાવતી મિલકતોની ચકાસણીમાં મિની મલ્ટીપ્લેક્સને સીલ કરવામાં આવ્યા હતા. કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બે માળમાં મિની મલ્ટિપ્લેક્સ બનાવી દેવામાં આવેલા છે. બિલ્ડિંગનો ઉપયોગ કોમર્શિયલ હેતુ દર્શાવવામાં આવ્યો હોય છે પરંતુ મલ્ટીપ્લેક્સના સંચાલકોએ હેતુ ફેર ન કરાવ્યો હોવાના કારણે સીલ મારવામાં આવ્યા હતા. સૌથી વધુ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોતા, થલતેજ, એસજી હાઇવે, મોટેરા સહિતના વિસ્તારોમાં આવેલા કુલ 25 મિની મલ્ટિપ્લેક્સ સીલ કરવામાં આવ્યા હતા. ₹ 300ના સ્ટેમ્પ પેપર ઉપર લેખિતમાં બોન્ડ (બાંયધરી) લઈ અને ખોલી આપવામાં આવી છે. જેમાં એક મહિનામાં ફાયર NOC અને ત્રણ મહિનામાં બીયુ પરમિશન લેવાની રહેશે.

સૂત્રોએ કહ્યું હતું કે, એએમસી દ્વારા જાહેર કરવામાં આવેલી SOP મુજબ મિની મલ્ટીપ્લેક્સ બાંધકામ ગુડા- 2022 અંતર્ગત 30 સપ્ટેમ્બર, 2022 પહેલા કરવામાં આવેલું હોય. તે અંગેની વિકાસ પરવાનગી કે વપરાશ પરવાનગી કે બન્ને પરવાનગી મેળવવામાં આવેલી ન હોય તે માટે સંચાલકોને આ કાયદા મુજબ નિયમિતતાનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરવા રહેશે. નિયમિતતાને પાત્ર ન હોય તેવા મિલકતના ભાગને દૂર કરી અથવા જરૂરી સુધારા-વધારા કરી બાંધકામ નિયમિત કરવા 3 માસના સમય માટે સીલ ખોલવાની કાર્યવાહી કરવાની રહેશે. જે કિસ્સામાં ગુડા-2022ની કટ ઓફ ડેટ પછી બાંધકામ કે વપરાશ ફેર થયેલો છે, તેવા મિની મલ્ટીપ્લેક્સ ઉપયોગની વેલિડ બીયુ પરવાનગી નથી તેવા કિસ્સામાં બીયુ પરવાનગી મેળવવાની કાર્યવાહી-પૂર્તતા કરવા ત્રણ માસ જેટલો સમય આપી સીલ ખોલવાની કાર્યવાહી કરવાની રહેશે. આ સમયગાળા દરમિયાન અકસ્માત કે દુર્ઘટનાની જવાબદારી સંચાલકોની રહેશે.