પાકિસ્તાનમાં અભિનેતા રાજ કપૂર અને દિલીપ કુમારના પૂર્વજોનું મકાન સંગ્રહાલયમાં ફેરવાશે
મુંબઈઃ હિન્દી ફિલ્મ જગાતમાં શો મેન તરીકે જાણીતા રાજ કપૂર અને દિલીપ કુમારના પૂર્વજોનું મકાન હજુ પાકિસ્તાનના પેશાવરમાં આવેલું છે. આ બંને મકાનને ખરીદવા માટે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની સરકારે મંજૂરી આપી છે, જેને સંગ્રહાલયોમાં પરિવર્તિત કરવામાં આવશે. બંને મકાનોનો પુરાતત્ત્વીય વિભાગને સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. બંને મકાનોના હાલના માલિકોએ ઉંચી કિંમતની માંગણી કરી હતી. દિલીપ કુમારના પૂર્વજોનું મકાન 100 વર્ષ જૂનું હોવાનું જાણવા મળે છે. આવી જ રીતે રાજકપૂરના પૂર્વજોનું મકાન પણ 100 જેટલું જૂનું હોવાનું જાણવા મળે છે.
જિલ્લા કમિશનરની કચેરીએ જાહેર કરેલા જાહેરનામા અનુસાર બંને મહાન અભિનેતાઓનું ઘર ડિરેક્ટર પુરાતત્ત્વ અને સંગ્રહાલયોના નામે હશે. રાજ કપૂરના ઘરની કિંમત 1.5 કરોડ રૂપિયા નક્કી કરી હતી જ્યારે કુમારના મકાનની કિંમત 80 લાખ રૂપિયા હતી. જોકે, કપૂરની પૂર્વજોની હવેલીના માલિક અલી કાદિરે 20 કરોડ રૂપિયાની માંગ કરી હતી જ્યારે કુમારના પિતૃ મકાનના માલિક ગુલ રહેમાનની સંપત્તિ માટે 3.5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. પ્રખ્યાત અભિનેતા રાજ કપૂરના દાદા દિવાન બાશેશ્વરનાથ કપૂરે 1918 અને 1922 ની વચ્ચે આ હવેલી બનાવડાવી હતી.રાજ કપૂર અને તેમના કાકા ત્રિલોક કપૂરનો જન્મ આ ઘરમાં થયો હતો. પીઢ અભિનેતા દિલીપકુમારનું 100 વર્ષ જૂનું પૂર્વજ ઘર પણ આ જ વિસ્તારમાં આવેલું છે. આ મકાન જર્જરિત છે અને 2014 માં તત્કાલીન મુખ્યમંત્રી નવાઝ શરીફ સરકાર દ્વારા તેને રાષ્ટ્રીય વારસો જાહેર કરવામાં આવ્યો હતો.