ધોળાવીરાની પ્રાચીન હડપ્પીયન સંસ્કૃતિને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે વિકસાવાશે
અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં પ્રાચીન હડપ્પીયન સંસ્કૃતિની ધરોહર સમાન ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સીટ તરીકે વિકસાવામાં આવશે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવા યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સેન્ટરને નામાંકન માટેનું ડોઝિયર મોકલ્યું છે. જેથી આગામી દિવસોમાં યુનેસ્કોનું ઉચ્ચકક્ષાનું ડેલિગેશન ગુજરાતની મુલાકાતે આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ધોળાવીરા સાઇટના બફર ઝોનમાં ટૂરિસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ઊભું કરવાનો સરકારનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. ધોળાવીરા પહોંચવા માટે ત્રણ નવા રસ્તાઓ બનાવાશે, જ્યારે હાલના રાપર-ધોળાવીરા, ભચાઉ-રાપર અને રાપર-અદેસર એમ ત્રણ રસ્તાઓનું રિપેરિંગ થશે.
રાજ્ય સરકારે ધોળાવીરાના વિકાસ માટે સાઇટ મેનેજમેન્ટ પ્લાન ઘડવા, નીતિવિષયક નિર્ણયો લેવા અને તેનો અમલ કરવા બે સમિતિઓ બનાવી છે, જેમાં મુખ્યસચિવ અનિલ મુકિમના વડપણ હેઠળ રાજ્યકક્ષાની ૧૬ સભ્યોની ઉચ્ચકક્ષાની સમિતિ તેમજ સાઇટ ખાતે વિવિધ કામગીરી હાથ ધરવા કચ્છના જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૬ સભ્યોની સમિતિ બનાવાઈ છે.