ગુજરાતમાં દરિયાકાંઠાના ટાપુઓનો આંદામાન-નિકોબાર પેટર્નથી કરાશે વિકાસ, GIDBને સોંપાઈ જવાબદારી
અમદાવાદઃ દેશમાં સૌથી લાંબો દરિયાકાંઠો ગુજરાતમાં આવેલો છે. ગુજરાત 1600 કિમી લાંબો દરિયાકાંઠો ધરાવે છે. દરમિયાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા દરિયાકાંઠે આવેલા ટાપુઓના વિકાસનો નિર્ણય કરાયો છે. તેમજ આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા જીઆઈડીબી (ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બોર્ડ)ને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ આઈલેન્ડ વિકાસ અભ્યાસ હેતુ માટે રૂ. 10 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં શકયતાદર્શી રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે.
ગુજરાતના દરિયાકાંઠે આવેલા જામનગરના પિરોટન, ઓખાના મિયાણી, દ્વારકાના બેટ શાંખોદર, પોરબંદરના આલિયાબેટ અને અમરેલીના સવાઈબેટનો આંદામાન-નિકોબાર પેટર્નથી વિકાસ કરવામાં આવશે. કેન્દ્રસરકાર દ્વારા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપેમેન્ટ બોર્ડના નેજા હેઠળ આઇલેન્ડ વિકાસનો પ્રોજેક્ટ હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં માત્ર શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવા હેતુ રૂ.10 કરોડની ફાળવણી કરવામાં આવી છે પ્રથમ તબક્કે ગુજરાતના સાત આઇલન્ડનો વિકાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય નીતિ આયોગે ગુજરાત સરકારને વિકાસ નીતિ તૈયાર કરવા સૂચના આપી છે. અહેવાલ તૈયાર કરવામાં આઇલેન્ડ વિકાસ હેતુ બંદર કનેક્ટીવીટી – પ્રવાસન વિકાસ – સલામતી વ્યવસ્થા અને ટ્રાન્સપોર્ટેશન સહિતના તમામ મુદ્દા કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યા છે. આઇલેન્ડવિકાસ સ્થળે પર્યાવરણ જાળવણી વ્યવસ્થા , હોટેલ્સ – મોટેલ્સ , લાઇટહાઉસ અને દીવાદાંડી સહિતની સુવિધા પ્રાપ્ય બનાવવામાં આવશે. જો આઇલેન્ડ વિકાસ પ્રોજેક્ટ અમલી બનશે તો ગુજરાતનું નામ પ્રવાસનક્ષેત્રે વિશ્વમાં વધુ અગ્રેસર બનશે.