ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે મોટાભાગના નિયંત્રણો ઉઠાવી લીધા છે. થમામ શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. હવે માર્ચ-એપ્રિલ મહિનામાં પરીક્ષાની મોસમ આવશે. ધો.10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડે જાહેર કરી દીધો છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ ધો.3થી 8ની પરીક્ષા 18મી એપ્રિલથી લેવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાની મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી ધોરણ-3થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી પાસ કર્યા હતા. આથી બે વર્ષથી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી નથી. ત્યારે ચાલુ વર્ષે ગાંધીનગર જિલ્લાના અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાનો 18 એપ્રિલ-2022થી પ્રારંભ થશે.
જિલ્લાની 590 સરકારી પ્રાથમિક શાળાઓનો ધોરણ-3થી 8ના અંદાજે એક લાખ જેટલા વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા આગામી તારીખ 18મી, એપ્રિલ-2022થી પ્રારંભ થશે. વાર્ષિક પરીક્ષા આગામી તારીખ 28મી, એપ્રિલના રોજ પૂર્ણ થશે. આથી દસ દિવસ સુધી ચાલનારી પરીક્ષામાં ધોરણ-3થી 5ના વિદ્યાર્થીઓ માટે 40 ગુણ માટે સવારે 8થી 10 કલાકનો સમય નક્કી કરાયો છે. જ્યારે ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓ માટે 80 ગુણની પરીક્ષા માટે 8થી 11 કલાકનો સમય નક્કી કરાયો છે.
કોરોનાકાળને પગલે ગત વર્ષ-2019ના એપ્રિલ માસમાં ધોરણ-3થી 8ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા લેવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ કોરોનાની મહામારીને કારણે ધોરણ-1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. ત્યારે બે વર્ષ સુધી ઓનલાઇન શિક્ષણ શિખેલા વિદ્યાર્થીઓના માથે વાર્ષિક પરીક્ષાની જવાબદારી આવી છે. ત્યારે છેલ્લા બે વર્ષથી લખવાની પ્રેક્ટિસ નહી હોવાથી વાર્ષિક પરીક્ષામાં અનેક વિદ્યાર્થીઓને તકલીફ પડવાની પણ શક્યતા રહેલી છે. જોકે વાર્ષિક પરીક્ષાને હજુ બે માસ જેટલો સમય બાકી હોવાથી વિદ્યાર્થીઓને લખવાની પ્રેક્ટિસ પડી જશે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી પ્રાથમિક શાળાઓની વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ ગુરૂવારે જાહેર કરવામાં આવ્યો છે.