અરબ સાગરમાં વધી રહ્યું છે “તૌકાતે”, મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
- અરબ સાગરમાં “તૌકાતે”નું જોર
- દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
- ગુજરાતને વધારે અસર થવાની સંભાવના
દ્વારકા: અરબ સાગરમાં ઉદભવેલા ચક્રવાતી તોફાન “તૌકાતે” આગળ વધી રહ્યું છે. શુક્રવારે કેરળના કોટાયમ તટ પર આ તોફાનના કારણે ભારે વરસાદ પડ્યો હતો. તોફાન “તૌકાતે”ને લઈને હવામાન વિભાગે આગળના 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે અને તેનું રૂપ વિકરાળ થશે તેવી પણ સંભાવનાઓ દર્શાવવામાં આવી છે.
ગુજરાતમાં આ દરિયાઈ તોફાનની અસર વધારે જોવા મળી શકે તેમ છે અને તેના કારણે ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. જો કે બીજી તરફ એનડીઆરએફની 53 ટીમને પણ લોકોની મદદ અને રાહતકાર્ય માટે તૈનાત કરી દેવામાં આવી છે.
કેન્દ્રીય જળ વિભાગ દ્વારા તે પણ આગાહી કરવામાં આવી કે જેમ જેમ આ તોફાન આગળ વધશે, તેમ કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને લક્ષદ્વિપના ટાપુઓ પર ભારે પવન ફૂંકાશે. હવામાન વિભાગ દ્વારા બુધવારે જણાવવામાં આવ્યું હતું કે, અરબ સાગરમાં અને લક્ષદ્વિપના વિસ્તારમાં દબાણવાળુ ક્ષેત્ર બન્યું હતું અને તે શનિવાર સુધીમાં તોફાન બનવાની શક્યતા છે.ભારતની દરિયાઈ સીમા પર ત્રાટકનાર તોફાનનું નામ મ્યાનમાર દ્વારા આપવામાં આવ્યું છે.