Site icon Revoi.in

અમદાવાદના ગાંધી આશ્રમના આજુબાજુના વિસ્તારનો 273 કરોડના ખર્ચે વિકાસ કરાશે

Social Share

અમદાવાદઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં સાબરમતી આશ્રમ અને આસપાસનાં વિસ્તારને વૈશ્વિક સ્તરનું આકર્ષણ સ્થળ તરીકે ડેવલપ કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકારની ગાઇડલાઇન અનુસાર મ્યુનિ.એ રૂપિયા 273  કરોડનાં ખર્ચે વિવિધ કામગીરી કરવાનો પ્રારંભ કર્યો છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગાંધીઆશ્રમ અને આસપાસનાં વિસ્તારને મહાત્મા ગાંધીજીનાં આદર્શ અને ગરિમાનાં મૂળ તત્વોને જાળવી રાખી સમગ્ર વિસ્તારને દેશવિદેશનાં પ્રવાસીઓને આકર્ષણનુ સ્થળ બનાવવા માટે મ્યુનિ.એ ગાંધીઆશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેકટ હાથ ધર્યો છે. આ પ્રોજેકટ પાછળ કુલ 1200  કરોડ જેટલો જંગી ખર્ચ થવાની શક્યતા છે. આ પ્રોજેકટને સાકાર કરવા માટે કન્સલ્ટન્ટની નિમણૂંક બાદ વૈશ્વિક સ્તરની કામગીરી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં બે કંપનીઓએ સંયુક્ત રીતે ભાગ લઇ  235.17 કરોડનુ ટેન્ડર ભર્યુ હતુ. જે મ્યુનિ.નાં અંદાજ કરતાં  7.87  ટકા વધુ પરંતુ માર્કેટ રેટથી  2.2  ટકા ઓછુ ગણવામાં આવ્યુ છે. આ ટેન્ડરનાં આધારે મ્યુનિ.એ 273 કરોડનો ખર્ચ થવાનો અંદાજ મુક્યો છે

મ્યુનિ.ના  રોડ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, શહેરના  ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેકટની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. ગાંધી આશ્રમને વર્ષો સુધી કોઇ પ્રકારની માળખાકીય સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે પાણી, ગટર, સ્ટોર્મ વોટર, રોડ, સ્ટ્રીટ લાઇટ સહિતનાં કામો નવેસરથી કરવામાં આવશે. હાલ આ વિસ્તારમાં આ માળખાકીય સુવિધાઓ છે જ પરંતુ તે વર્ષો જુની હોવાથી તેમાં ગમે ત્યારે ભંગાણ સહિતનાં પ્રશ્નો ઉભા થઇ શકે છે તેથી તમામ કામો નવેસરથી હાથ ધરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના  ગાંધી આશ્રમની સામેનો વિસ્તાર નીચાણવાળો હોવાથી ત્યાં પુરાણ કરવા કરવામાં ભારે મહેનત અને ખર્ચ થશે. આ ખાડાવાળી જગ્યામાં માટી, રેતી, ફલાયએશ અને પીરાણા ખાતેથી અલગ કરેલી માટી-રેતીથી પુરાણ કરવામાં આવનાર છે. તદઉપરાંત ગાંધી આશ્રમ સામેનાં ચંદ્રભાગાનાં નાળાને બંધ નાળામાં પરિવર્તિત કરીને તેની ઉપર રોડ બનાવવા પાછળ ૫૧ કરોડનો ખર્ચ અંદાજવામા આવ્યો છે. તેવી જ રીતે ગાંધી આશ્રમ વિસ્તારનાં હરીજન આશ્રમમાં પાણીની નવી ટાંકી, નવી લાઇન બનાવવામાં આવશે અને હયાત ડ્રેનેજ નેટવર્કને પણ બદલવામાં આવશે. આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ ન રહે તે માટે આરસીસી 800થી 2200 એમએમની પાઇપલાઇનો નાખવામાં આવશે.(file photo)