યાત્રાધામ અંબાજીમાં મંદિરની આસપાસનો વિસ્તાર વાહનો માટે ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરાયો
અંબાજીઃ રાજ્યના સુપસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી માતાજીના દર્શન માટે રોજબરોજ અનેક શ્રદ્ધાળુઓ આવે છે. મોટાભાગના શ્રદ્ધાલુઓ ખાનગી વાહનોમાં આવતા હોવાથી મંદિરની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામ થયો હોય છે. આથી તંત્ર દ્વારા મંદિરની આસપાસનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ટ્રાફીક નિયમન હેતુસર અંબાજી મંદિરના શક્તિદ્વાર સામેના ખોડી વડલી સર્કલથી જુના નાકા સુધીના રોડને ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરાતું જાહેરનામું જિલ્લા મેજીસ્ટ્રેટ વરુણ કુમાર બરનવાલ (આઈ.એ.એસ.) બનાસકાંઠા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠ સર્કલથી ગબ્બર સર્કલ (શક્તિ ચોક) સુધી, 51 શક્તિપીઠ સર્કલથી કૈલાસ ટેકરી સુધી, 51 શક્તિપીઠ સર્કલથી અંબાજી હેરીટેજ હોટલ સુધી, 51 શક્તિપીઠ સર્કલથી ગ્રામ પંચાયત ખોડીયાર ચોક માન સરોવર સુધી, મંદિરની પાછળ આવેલા માનસરોવર રોડ, ગબ્બર તળેટી સર્કલથી ચુંદડીવાળા માતાજી સ્થાનકના ગેટ સુધીના રોડને ‘નો પાર્કિંગ ઝોન’ જાહે૨ કરવામાં આવ્યો છે. પાર્કિંગ માટે અંબાજી મંદિર હસ્તકના પાર્કિંગ સ્થળ શક્તિદ્વારની સામેનું પાર્કિંગ, અંબાજી ભોજનાલયની બાજુનું પાર્કિંગ અને ગબ્બર પાર્કિંગ નંબર-1 અને 2 ખાતે વ્યવસ્થા કરેલી છે. ટ્રાફીક નિયમન માટે વધારાની સુવિધા તરીકે પાલનપુર તથા દાંતા તરફથી આવતા વાહનોની અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકની આર્ટસ અને કોમર્સ કોલેજની આગળની ખુલ્લી જગ્યામાં વાહનો પાર્ક કરવા તેમજ હિંમતનગર તથા ખેડબ્રહ્મા તરફથી આવતા વાહનોને કૈલાસ ટેકરી હસ્તકની તથા તેની આજુબાજુની ખુલ્લી જગ્યામાં વાહન પાર્ક કરી શકાશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, નો પાર્કિંગ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારા વ્યક્તિ પર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 તથા ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામાના મુસદામાં જણાવેલા ‘નો પાર્કિંગ ઝોન’ વિસ્તાર જાહેર કરવા બહાર પાડવાં ધારેલા પ્રાથમિક/ હંગામી જાહેરનામાનો મુસદો તેનાથી અસર થતા લાગતા વળગતા તથા તમામની જાણ માટે પ્રસિદ્ધ ક૨વામાં આવે છે. આ પ્રાથમિક જાહેરનામું ગુજરાત સરકારના ગેઝેટમાં પ્રસિદ્ધ થયા તારીખથી ત્રીસ દિવસની અંદર કોઈપણ વ્યક્તિ તરફથી વાંધા સુચનો જિલ્લા મેજીસ્ટ્રેટને લેખીતમાં મોકલવામાં આવશે તો તે અંગે યોગ્ય વિચારણા કરવામાં આવશે. ઉપરોક્ત હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 તથા ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે.