Site icon Revoi.in

આર્મી કમાન્ડરોની કોન્ફરન્સમાં સંભવિત પડકારોને ધ્યાનમાં રાખીને તૈયારીઓને લઈને ચર્ચા કરાઈ

Social Share

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ટોચના આર્મી કમાન્ડરોની કોન્ફરન્સમાં, ઉભરતા જોખમો અને પડકારોને ધ્યાનમાં રાખીને સેનાને ભવિષ્ય માટે તૈયાર રહેવાની રીતો પર ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષમાંથી પ્રાસંગિક બોધપાઠ લેવા માટે પાંચ દિવસીય કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી. સૈન્ય કમાન્ડરોની કોન્ફરન્સમાં ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરની સ્થિતિ અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટે સેનાની ઓપરેશનલ સજ્જતા વધારવાના માર્ગો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સેનાના ટોચના કમાન્ડરોની કોન્ફરન્સમાં તાજેતરમાં સિક્કિમ પૂરનો ઉલ્લેખ કરીને આવી પરિસ્થિતિઓનો સામનો કરવાની વાત પણ થઈ હતી. કોન્ફરન્સ વર્ષમાં બે વાર થાય છે. આમાંથી એક એપ્રિલમાં અને બીજી ઓક્ટોબરમાં થાય છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ઓપરેશનલ તૈયારીના ઉચ્ચ ધોરણો માટે સેનાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે યુદ્ધ સંબંધિત તૈયારીઓ સતત પ્રક્રિયા હોવી જોઈએ. સેનાએ હંમેશા અનિશ્ચિતતાઓ માટે તૈયાર રહેવું જોઈએ. ટોચના આર્મી કમાન્ડરોને સંબોધતા રાજનાથ સિંહે પૂર્વી લદ્દાખની પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરવા માટે સેનામાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, વિવાદના શાંતિપૂર્ણ ઉકેલ માટે બંને પક્ષો વચ્ચે તમામ સ્તરે વાતચીત ચાલુ રહેશે. તેમણે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) ના પ્રયાસોની પ્રશંસા કરી, જેણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરીને પશ્ચિમ અને ઉત્તર બંને સરહદો પર રોડ નેટવર્કમાં અજોડ સુધારા કર્યા છે. સંમેલનને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ સંબોધિત કર્યું હતું. સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મધ્ય પૂર્વમાં ભૌગોલિક રાજકીય સંકટ અને સંઘર્ષમાંથી પાઠ શીખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.