ભારતમાં કોરોનાને નાથવા હવે સેના રાજય સરકારોને કરશે મદદ
દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલોમાં પુરતા બેડ નથી. આવી કપરી પરિસ્થિતિમાં સેના હવે આગળ આવી છે. સંરક્ષણ સચિવે દેશભરની કેન્ટ બોર્ડ હોસ્પિટલોમાં નોન-કન્ટોનમેન્ટ નાગરિકોને તબીબી સુવિધાઓ પૂરી પાડવા પણ નિર્દેશ આપ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આર્મી ચીફ જનરલ એમએમ નરવાણે, સંરક્ષણ સચિવ અને ડીઆરડીઓ ચીફ સાથે વાત કરી છે. રાજનાથસિંહે દરેકને કોવિડ-19 સંકટ દરમિયાન નાગરિકો માટે સુવિધાઓ અને કુશળતા પૂરી પાડવા જણાવ્યું હતું. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આર્મી ચીફને કહ્યું હતું કે, સેનાનાં સ્થાનિક કમાન્ડરે મુખ્ય પ્રધાનો સાથે વાત કરી તમામ શક્ય મદદ કરવી જોઈએ. સંરક્ષણ સચિવે દેશભરની કેન્ટ બોર્ડ હોસ્પિટલોમાં નોન-કન્ટોનમેન્ટ નાગરિકોને તબીબી સુવિધાઓ પૂરી પાડવા પણ નિર્દેશ આપ્યો છે. ઓક્સિજન સિલિન્ડરોનાં અભાવથી આખા દેશમાં હાહાકાર મચી ગયો છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનએ કોરોનાકાળને ધ્યાનમાં રાખીને SpO2 (બ્લડ ઓક્સિજન સંતૃપ્તિ) પૂરક ઓક્સિજન ડિલિવરી સિસ્ટમની રચના કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનો ઉપયોગ ઉંચાઇવાળા વિસ્તારોમાં તૈનાત સૈનિકો માટે થઈ શકે છે.