અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના પ્રારંભ પહેલા જ મેધરાજાનું ભારે પવન સાથે ગમન થયું હતું. શહેરના બોપલ, મેમનગર, નારણપુરા, આશ્રમ રોડ, એસ.જી હાઈવે, થલતેજ, નહેરુનગર, સેટેલાઇટ, વસ્ત્રાપુર, વેજલપુર, પ્રહલાદનગર, ઘાટલોડિયા, પાલડી, એલિસબ્રિજ, રિવરફ્રન્ટ, સરખેજ, સનાથલ, શાંતિપુરા, બાકરોલ, વિસલપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદ સાથે ભારે પવન ફુંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. જેમાં રોડ સાઈડમાં પાર્ક કરેલી કાર પર પણ વૃક્ષો પડતા ઘણીબધી કારોને નકશાન થયુ હતુ.
અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી શહેરમાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું, એવામાં બફારો વધતા લોકો હેરાન-પરેશાન થઈ ગયા હતા.ત્યારે રવિવારે સાંજે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થયું હતું. શહેરના બોપલ-ઘુમા, સરખેજ, સનાથલ, બાકરોલ વરસાદથી લાઈટો ગુલ થઈ ગઈ હતી. જો કે વીજ કંપનીઓએ ભારે જહેમત ઉઠાવી અડધી કલાકમાં જ વીજ પૂરવઠો પૂર્વવત કર્યો હતો. વરસાદને પગલે દાળવડાની લારીઓ પર શહેરીજનોની ભીજ જોવા મળી હતી.
મ્યુનિ. કન્ટ્રોલરૂમના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. પશ્ચિમ વિસ્તારમાં આવતા જોધપુર, સેટેલાઈટ,બોપલ ઘુમા, ઇસ્કોન, આશ્રમરોડ વાડજ ઉસ્માનપુરા, સરખેજ,પાલડી, એલિસબ્રિજ સહિતના વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં અડધો ઇંચથી પણ ઓછો વરસાદ પડયો હતો. વિરાટનગર, ઓઢવ નિકોલ, નરોડા, રામોલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જ્યારે મણીનગર વટવા નારોલ મેમ્કો સહિતના વિસ્તારોમાં માત્ર નામનો જ વરસાદ પડ્યો હતો. શહેરમાં ભારે પવન સાથે વરસાદના પગલે માત્ર 30 મિનિટમાં 15થી વધુ ઝાડ ધરાશાયી થયા છે. ફાયરબ્રિગેડ અને અલગ અલગ વિસ્તારમાંથી ઝાડ પડવાના કોલ મળ્યા હતા. વસ્ત્રાપુર ફાટક પાસે એક મોટું ઝાડ ધરાશાયી થયું હતુ. ઉપરાંત બોડકદેવમાં પણ બે વૃક્ષો ધરાશાયી થયા હતા. જોકે મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ઘણા લોકો ભિંજાવા માટે નીકળી ગયા હતા. તોફાની પવન સાથે વરસાદને પગલે શહેરમાં ઘણી જગ્યાએ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત ક્યાંક પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી. ઉપરાંત બોડકદેવ સહિતના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પડવાનો બનાવ બન્યો હતો. શહેરના રાયપુર દરવાજા પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું દિશાસુચક બોર્ડ ધરાશાયી થઈ ગયું હતું.