કેરળમાં ઓમિક્રોન વેરિયન્ટના આગમનથી મચી હલચલ,દેશમાં અત્યાર સુધીમાં 38 લોકો સંક્રમિત
- ઓમિક્રોન વેરિયન્ટે કેરળમાં આપી દસ્તક
- ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાતા મચી હલચલ
- દેશમાં અત્યાર સુધીમાં 38 લોકો સંક્રમિત
દિલ્હી:કેરળમાં પણ ઓમિક્રોને દસ્તક આપી દીધી છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે રવિવારે કહ્યું કે,કોચીમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો છે. એ પણ જણાવ્યું કે,સંબંધિત વ્યક્તિ 6 ડિસેમ્બરે યુકેથી કોચી પરત ફર્યો હતો અને 8 ડિસેમ્બરે તે કોવિડ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો હતો.
સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે,તેમની બાજુમાં બેઠેલા ઉચ્ચ જોખમ ધરાવતા મુસાફરોને જાણ કરવામાં આવી છે. ગભરાવાની જરૂર નથી, તેમની હાલત સ્થિર છે. તેમની પત્ની અને માતાનો પણ કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તમામને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. જરૂરી સાવચેતી રાખવામાં આવી રહી છે.
રવિવારે દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના 5 નવા કેસ આવવાની સાથે જ દેશમાં તેની કુલ સંખ્યા વધીને 38 થઈ ગઈ છે. એક 20 વર્ષીય યુવક જે વિદેશથી તેના સંબંધીઓને મળવા ચંદીગઢ પહોંચ્યો હતો તેને કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે, ચંડીગઢમાં કોરોનાવાયરસના આ પ્રકારથી કોઈ વ્યક્તિ સંક્રમિત થયો હોવાનો પ્રથમ કેસ છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી. ચંડીગઢ હેલ્થ સર્વિસના ડાયરેક્ટર ડૉ. સુમન સિંહે જણાવ્યું કે,યુવક ઈટાલીમાં રહેતો હતો. હાલમાં જ તે અહીં તેના સંબંધીઓને મળવા આવ્યો હતો. તેમનો જીનોમ સિક્વન્સિંગનો રિપોર્ટ 11 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે મળ્યો હતો અને તે ઓમિક્રોન વેરિયન્ટ્સથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી.