ગણેશોત્સવમાં હવે POPને બદલે માટીની મૂર્તિઓની માગ વધતી હોવાથી કારીગરોએ ટ્રેન્ડ બદલ્યો
અમદાવાદઃ રાજ્યમાં ગણેશોત્સવ ભારે ઉત્સાહથી મનાવવામાં આવે છે. ભાવિકો ગણેશજીની મૂર્તિઓ લાવીને વાજતે-ગાજતે ઘર કે ઓફિસમાં અથવા જાહેર સ્થળોએ પંડાલમાં મૂર્તિઓનું સ્થાપન કરતા હોય છે. ત્યારેબાદ પાંચ-સાત દિવસ બાદ ગણેશજીની મૂર્તિઓનું નદી કિનારે જઈને વિસર્જન કરતા હોય છે. ગણેશજીની મૂર્તિઓ ચીનાઈ માટીમાંથી બનાવવામાં આવતા હોય છે. જેના કારણે મૂર્તિઓના વિસર્જન બાદ નદીમાં પ્રદુષણ ફેલાતું હોય છે. ચીનાઈ માટી પીગળતી ન હોવાથી પાણીમાં જ મૂર્તિઓ જેમની તેમ પડી રહેતી હોય છે. આથી હવે લોકોમાં ચીનાઈ યાને પીઓપીને બદલે માટીની ઈકો ફ્રેન્ડલી મુર્તિઓ લાવવાનું ચલણ વધ્યું છે. માટીની મૂર્તિઓની માગ વધતા હવે કારીગરો પીઓપીને સ્થાને માટીની મૂર્તિઓ વધુ બનાવવા લાગ્યા છે.
ગણેશ ઉત્સવ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગણેશજીની વિવિધ આકાર, સ્વરૂપની મુર્તિઓ બજારમાં જોવા મળે છે. કેટલાક કારીગરો પર્યાવરણને બચાવવાના હેતુથી માત્ર ઈકો-ફ્રેન્ડલી મુર્તિ તૈયાર કરી રહ્યા છે. અમદાવાદ સહિત મહાનગરોમાં પીઓપીની મુર્તિઓનો ઉપયોગ ગણેશ ઉત્સવમાં વધુ થતો હતો. પરંતુ પર્યાવરણને બચાવવા માટે ઈકો-ફ્રેન્ડલી ગણેશ મુર્તિની માંગ વધી રહી છે. જેથી અનેક કારીગરો પણ માત્ર ઈકો-ફ્રેન્ડલી ગણેશની મુર્તિઓ તૈયાર કરી રહ્યા છે. મૂર્તિઓ બનાવતા કારીગરોના કહેવા મુજબ ઈકો-ફ્રેન્ડલી ગણેશની મુર્તિ બનાવવામાં આવી રહી છે. મુર્તિ માટે ખાસ ત્રણ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં બુટવો માટી, ખેતરની કાળી માટી અને થાનની લાલ માટીનો ઉપયોગ કરવામાં આવે છે.. મુર્તિમાં ખાસ વોટર કલરનો ઉપયોગ કરવામાં આવે છે. એક મોટી મુર્તિને તૈયાર થતા અંદાજીત 20થી 22 દિવસનો સમય લાગે છે. મુર્તિને આકાર આપ્યા બાદ માટીમાં રહેલા ભેજને દુર કરવા દિવસો સુધી એક જગ્યા પર રાખી સુકવવામાં આવે છે. ત્યારબાદ મુર્તિનો આકાર આપી ફીનીંસીગ વર્ક કરવામાં આવે છે. બે વર્ષ કોરોના કારણે મુર્તિના નિયમોને લઈને કલાકારોને ફટકો પડયો હતો. આ વખતે થોડી છુટછાટ મળતા કલાકારો ખુશ છે.
ગણેશ ઉત્સવ કરતા સંચાલકો વર્ષોથી ઈકો-ફ્રેન્ડલી ગણેશની મુર્તિ લેવાનો આગ્રહ રાખે છે. જે માટે હાલ રૂપિયા 400થી લઈ 15000 રૂપિયા લોકો ચુકવે છે. માટીની મુર્તિ હોવાથી તેના વિસર્જન બાદ પર્યાવરણને નુકશાન થતુ નથી.કલાકરો દ્વારા ઈકો-ફ્રેન્ડલી ગણેશની મુર્તિઓ તૈયાર કરવામા આવી છે. આ ખુબ આકર્ષિત અને નાની-મોટી તમામ પ્રકારની જોવા મળે છે. પીઓપીની મુર્તિ કરતા પણ સારી રીતે ઈકો-ફ્રેન્ડલી મુર્તિ તૈયાર કરવામાં આવે છે. પર્યાવરણને નુકશાન ના થાય તે માટે આવી મુર્તિનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. જેમાં ખાસ પ્રકારના રંગોથી તેને સુશોભિત કરીને મુર્તિમાં પાઘડી, મુગટ, સાફો, માળા, મોરપીછ, સહિતની વસ્તુઓ લગાવીને મુર્તિને આકર્ષક બનાવવામા આવે છે.