નવી દિલ્હીઃ વારાણસીમાં જ્ઞાનવાપી સંકુલમાં સવારથી જ સર્વેની કામગીરી ચાલી રહી છે. એએસઆઈની ચારેક ટીમ દ્વારા હાલ સર્વેની કામગીરી કરી રહી છે. જો કે, શુક્રવારની નમાજને ધ્યાનમાં રાખીને બપોરના સમયે કામગીરી અટકાવવામાં આવી હતી. ગણતરીના કલાકો બાદ ફરીથી સર્વેની કામગીરી કરવામાં આવી હતી. એએસઆઈની ટીમ દ્વારા કેટલીક સ્થળો ઉપર ફોટોગ્રાફી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે જ્ઞાનવાપી કેમ્પસમાં સર્વે ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. જે બાદ આજે સવારથી સર્વેની પ્રક્રિયા ચાલી રહી છે. શુક્રવારની નમાજ માટે બપોરે 12.30 વાગ્યે તેને રોકી દેવામાં આવી હતી. આ દરમિયાન બહાર આવેલા એડવોકેટ સુધીરે મીડિયા સાથે વાત કરતાં અંદરની ગતિવિધિઓ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, જ્ઞાનવાપીની અંદર ત્રણથી ચાર ટીમો દરેક પાસાઓનો વિગતવાર અભ્યાસ કરી રહી છે, કોઈપણ અવરોધ વિના કામ ચાલી રહ્યું છે. સર્વેની ટીમ ઘાસની સફાઈ કરી મશીન લગાવી રહી છે, મશીન દ્વારા તેની ચકાસણી કરવામાં આવી રહી છે. વકીલોને માત્ર દૂરથી જ કાર્યવાહી જોવાની મંજૂરી આપવામાં આવી હતી.
તેમણે કહ્યું કે, ASIની ટીમ પોતાનું કામ ખૂબ જ ઝીણવટથી કરી રહી છે. તે દરેક વસ્તુ પર સંશોધન કરી રહ્યા છે. જો અંદરથી કોઈ લેખ મળી રહ્યો છે, તો તેના ફોટોગ્રાફ લેવામાં આવી રહ્યા છે, તેને સાધનો દ્વારા સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે ત્રણથી ચાર ટીમ સર્વેની કામ કરી રહી છે. જ્યારે એડવોકેટને ખોદકામ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે તેને મંજૂરી નથી. તેથી જ કોઈપણ પ્રકારનું ખોદકામ કરવામાં આવી રહ્યું નથી.