એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપ 2023ના આયોજનને લઈને પાકિસ્તાનને આપ્યો ઝટકો
નવી દિલ્હીઃ છેલ્લા ઘણા મહિનાઓથી પીસીબી એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવાના મુદ્દે ખૂબ જ ચિંતિત છે. તેમજ પીસીબીએ એશિયા કપ માટે ભારત સામે કેટલાક વિકલ્પો રાખ્યા હતા, પરંતુ હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના તાજેતરના નિર્ણય બાદ પાકિસ્તાન સામે જ મોટો પ્રશ્ન ઉભો થયો છે. ACC એ PCBના પ્રસ્તાવિત હાઇબ્રિડ મોડલ (વિવિધ દેશો/સ્થળોમાં મેચોનું આયોજન)ના પ્રસ્તાવને ફગાવી દીધો હોવાનું જાણવા મળે છે. આ નિર્ણય બાદ હવે કદાચ પહેલીવાર પાકિસ્તાનની ટીમ એશિયા કપમાં રમતી જોવા ના પણ મળે.
એશિયાકપને લઈને તાજેતરમાં જ બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું હતું કે, સરકારની પરવાનગી નહીં આપવાને કારણે ટીમ ઈન્ડિયા એશિયા કપ રમવા માટે પાકિસ્તાન જઈ શકશે નહીં. આ પછી PCBના અધ્યક્ષ નજમ સેઠીએ હાઇબ્રિડ મોડલનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ અંતર્ગત સેઠીએ કહ્યું હતું કે, ભારતની મેચ અન્ય દેશમાં રમાડવામાં આવે અને અન્ય મેચ પાકિસ્તાનમાં રમાડવામાં આવે. આ અંતર્ગત પાકિસ્તાન બોર્ડે UAEમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ શ્રીલંકા અને બાંગ્લાદેશે આ ઓફર ઠુકરાવી દીધી હતી. આ બોર્ડે હાઇબ્રિડ મોડલને નકારી કાઢ્યું હતું કે તેઓ વર્લ્ડ કપ પહેલા તેમના ખેલાડીઓને ઇજાઓ થવાનું જોખમ ઉઠાવી શકે તેમ નથી. હવે ભારતે પણ આ પ્રસ્તાવને સીધો ફગાવી દીધો છે. હવે એવી શક્યતાઓ છે કે ટૂર્નામેન્ટ સંપૂર્ણપણે શ્રીલંકામાં શિફ્ટ થઈ શકે છે, પરંતુ PCB તેનો સખત વિરોધ કરી રહ્યું છે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડ ગેટ મની (ટિકિટમાંથી મળેલી કમાણી)માં 100% હિસ્સાની માંગ કરી રહ્યું છે, જેથી PCB તેમની વાતથી બિલકુલ સંમત નથી. જોકે, UAE માત્ર 50 ટકા હિસ્સાની માંગ કરી રહ્યું છે. હવે તાજેતરની સ્થિતિ બાદ એવી શક્યતાઓ બની રહી છે કે, પાકિસ્તાન એશિયા કપનો બહિષ્કાર કરી શકે છે. જો આમ થશે તો પહેલીવાર એવું બનશે કે પાકિસ્તાનની ટીમ એશિયા કપમાં રમતી જોવા નહીં મળે. આ વર્ષનો એશિયા કપ ક્રિકેટ વર્લ્ડ કપની તૈયારીના સંદર્ભમાં પ્રદેશની ટીમો માટે ખૂબ જ ખાસ સાબિત થયો છે. ટુર્નામેન્ટમાં કુલ છ ટીમો ભાગ લઈ રહી છે, જ્યારે કુલ 13 મેચોનું આયોજન કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ 10 થી 28 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.