અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંઘપાત્ર ઘટાડો થયો છે. કોરોના કાળમાં ફરજિયાત માસ્ક પહેરવાના નિયમો કડક બનાવાયા હતા. કોરોનાને ફેલાવતો અટકાવવા માટે માસ્ક જરૂરી છે. પોલીસને પણ માસ્ક ન પહેરનારા સામે દંડ વસુલ કરવાની સત્તા આપવામાં આવી હતી. પણ કેટલાક કેસમાં પોલીસે કાયદોના ઉપયોગમાં અતિરેક કર્યાની ફરિયાદો પણ ઊઠી હતી. પોલીસે મેડિકલ સ્ટોરના વેપારી સામે માસ્ક ન પહેર્યું હોવાથી તેમની સામે પાસા કર્યા હતા. આ મામલે વેપારીએ હાઈકોર્ટમાં રિટ કરતા હાઈકોર્ટે સરકારનો ઉઘડો લઈને માસ્ક નહીં પહેરનાર વેપારીને પાસા તો માસ્ક વિના ફરતા રાજકિય નેતાઓને કેમ નહી, એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.
અમદાવાદમાં કોરોનાની બીજી લહેર સમયે મેડિકલ સ્ટોરના વેપારી સામે પોલીસે કાર્યવાહી કરાઈ હતી. અસારવા વિસ્તારના એક મેડિકલ સ્ટોરના વેપારી સામે પાસા કરતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. મેડિકલના વેપારીએ પાસાનો હુકમ રદ્દ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અવલોકન કર્યું કે, અનેક રાજકીય નેતાઓ જાહેર કાર્યક્રમો તથા રેલીઓ દરમિયાન માસ્ક પહેરતા નથી.
હાઈકોર્ટે આ મામલે ટકોર કરીને કહ્યું કે, રાજકીય નેતાઓને માસ્ક ન પહેરવા બદલ પાસા કરો. રાજકીય નેતાઓ ખુલ્લા મોઢે રાજકીય રેલીઓ કરી રહ્યા છે, ત્યાં કેમ પાસા નથી થતા. વિચાર કરો કે કેવા વાતાવરણ વચ્ચે આપણે જીવીએ છીએ. નિયમ બધા માટે સરખા હોવા જોઈએ. સાથે જ હાઈકોર્ટે એમ પણ કહ્યું કે, આ બધુ કયા જઇને અટકશે? તમે પણ વિચાર કરો આપણે કેવા વાતાવરણ વચ્ચે જીવી રહ્યા છીએ? કોઇ યોગ્ય જવાબ છે તમારી પાસે? નિયમો બનાવો છો તો તેનું પાલન પણ બધા માટે હોય છે ને? શું કામ કોઇ સીધા અને શાંતિથી કામ કરતા લોકોને પજવો છો? અને પાસા? માસ્ક નહી પહેરવા બદલ પાસા કેવી રીતે કરાય?