Site icon Revoi.in

અમદાવામાં સરેરાશ અકસ્માતના બનાવોમાં ઘટાડો પણ અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધી

Social Share

અમદાવાદઃ શહેરના રોડ રસ્તાઓ તો એના એ જ છે, પણ દિનપ્રતિદિન ટ્રાફિકનું ભારણ વધતું જાય છે. શહેરમાં વાહનોની સંખ્યા વધતી જાય છે. સાથે પૂરફાટ ઝડપે વાહનો દોડતા હોવાથી અકસ્માતોમાં પણ વધરો થઈ રહ્યો છે. શહેરના રસ્તા પર દર વર્ષે સરેરાશ 1800થી પણ વધુ અકસ્માત થતા હતા, જેમાં સરેરાશ 300થી વધુ વ્યક્તિનાં મોત નીપજતાં હતાં, પરંતુ છેલ્લાં 6 વર્ષમાં માર્ગ અકસ્માતની સંખ્યા 50 ટકા ઘટીને હવે 900ની આસપાસ થઈ છે. તેમ છતાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારાની સંખ્યા વધીને 350 જેટલી થઈ છે. શહેરના રસ્તા પર ટ્રાફિક સિગ્નલ વધારાતા અને દબાણો દૂર કરાતાં ગંભીર અકસ્માતો ઘટ્યા છે. જ્યારે અકસ્માતમાં મૃત્યુનું કારણ ઓવરસ્પીડિંગ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ માર્ચ 2020થી રાજ્યભરમાં સંપૂર્ણ લોકડાઉન હતું, જેના સવા બે મહિના દરમિયાન રોડ પર અવરજવર ઓછી હતી. ત્યાર બાદ સમયમર્યાદા ધીમે ધીમે વધારાઈ હોવા છતાં 2020ના વર્ષમાં માર્ગ અકસ્માતના કુલ 979 બનાવ બન્યા હતા, જેમાંથી 340 વ્યક્તિનાં મોત નિપજ્યાં હતાં. મૃતકોમાં 287 પુરુષ અને 53 સ્ત્રીનો સમાવેશ થાય છે. શહેરના ટ્રાફિક વિભાગના અધિકારીઓના કહેવા મુજબ હાલમાં શહેરના તમામ રસ્તા પર ટ્રાફિક સિગ્નલ લગાવાતા અને દબાણો દૂર કરાતા અકસ્માતની સંખ્યા 50 ટકા ઘટી છે. જ્યારે વાહનચાલકોને ખુલ્લા રસ્તા મળતા હોવાથી ઓવર સ્પીડમાં વાહન ચલાવવાને કારણે અકસ્માત થાય તો અકસ્માત કરનાર અને સામેવાળા મૃત્યુ પામતા હોવાની ઘટનાઓ વધી છે.  શહેરી વિસ્તારમાં 60ની સ્પીડ લિમિટ, સિગ્નલ, બમ્પને કારણે અકસ્માતનું પ્રમાણ ઓછું છે, જ્યારે એસજી હાઈવે, એસપી રિંગરોડ વિસ્તારોમાં રસ્તા ખુલ્લા હોવાથી ત્યાં અકસ્માતમાં મૃત્યુની સંખ્યા વધુ હોવાનું ટ્રાફિક પોલીસનું માનવું છે.