Site icon Revoi.in

રાજયમાં સરેરાશ 81 ટકા વરસાદ પણ 17 તાલુકામાં 50 ટકાથી ઓછો વરસાદ પડ્યો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં આજે શનિવારે બપોર સુધીમાં માત્ર ચાર તાલુકામાં વરસાદ પડ્યો હતો. જોકે આગામી તા. 27મીથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યારસુધીમાં 81 ટકા જેટલો વરસાદ નોંધાયો  છે. હજી પણ રાજ્યમાં 19 ટકા વરસાદની ઘટ છે, પરંતુ 17 તાલુકા એવા છે, જ્યાં 50 ટકા કરતાં પણ ઓછો વરસાદ થયો છે. જો આ વિસ્તારમાં હવે સીઝનના અંતમાં વરસાદ નહીં થાય તો પાણીની સમસ્યા સર્જાઈ શકે છે અને ખેડૂતોએ કરેલા વાવેતરને પણ મોટું નુકસાન થઈ શકે છે. રાજ્યમાં સતત વરસાદને કારણે બે સ્ટેટ હાઈવે સહિત 47 રસ્તા હજી પણ બંધ છે. રાજ્યમાં હજી આગામી 28 સપ્ટેમ્બર સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં શનિવારે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં મેઘમહેર થઈ હતી, જેમાં સૌથી વધુ વરસાદ સુરત, દ્વારકા, નવસારી, કચ્છ અને ગાંધીનગર જિલ્લામાં પડ્યો હતો.. પલસાણા, કલ્યાણપુર અને દ્વારકામાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સીઝનનો અત્યારસુધીમાં 27 ઈંચ સાથે 81.91 ટકા વરસાદ પડ્યો છે, જ્યારે ચોમાસાની સીઝન પૂરી થવામાં હોવાથી હજી રાજ્યનાં 17 તાલુકામાં 50 ટકાથી ઓછો વરસાદ થયો છે.

અમદાવાદમાં 1 જૂનથી અત્યારસુધીમાં કુલ 655.7 મિમી વરસાદની સામે 375.4 મિમી જ વરસાદ પડ્યો હોવાથી હજુ પણ અમદાવાદમાં સામાન્ય કરતાં 40 ટકા ઓછો વરસાદ પડ્યો છે. બીજી તરફ, 1 જૂનથી 19 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં 658.1 મિમીની સામે 534.6 મિમી વરસાદ પડતાં રાજ્યમાં અત્યારસુધીમાં 81 ટકા વરસાદ થયો છે, જ્યારે 19 ટકા વરસાદની ઘટ છે.

સપ્ટેમ્બરમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી માર્ગને નુકસાન થયું છે, જેમાં રાજકોટ અને જૂનાગઢના બે સ્ટેટ હાઈવે હજુ બંધ હાલતમાં છે. પંચાયત હસ્તકના 44 માર્ગોમાં વડોદરા જિલ્લાના 11, નવસારીના 08, રાજકોટના 06, સુરતના 05, ભાવનગર, વલસાડ અને જામનગર જિલ્લાના ત્રણ- ત્રણ જ્યારે દાહોદ, છોટા ઉદેપુર સહિતના જિલ્લામાં પણ એક- એક માર્ગ બંધ છે.