Site icon Revoi.in

આજે પુષ્ય નક્ષત્ર, ચોપડાં, સોના-ચાંદી અને વાહનો ખરીદવા માટેનો શ્રેષ્ઠ યોગ

Social Share

અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં પણ ઘરાકી જોવા મળી રહી છે. આવતી કાલે 28મી ઓક્ટોબરને ગુરુવારના રોજ દિવાળી પહેલાં આવતો ગુરુ પુષ્ય નક્ષત્રનો યોગ બની રહ્યો છે. દિવાળીનાં શુભ તહેવારમાં આ વર્ષે તિથિના ક્ષયને કારણે બે તિથિ એક જ દિવસે હોવાની સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે દિવાળીના મહાપર્વમાં અગિયારસ અને વાઘબારસ ભેગા છે તથા ધનતેરસને દિવસે જ કાળીચૌદશ મનાવાશે. તારીખ 1 નવેમ્બરને સોમવારથી જ દીપાવલી મહાપર્વની શરૂઆત થશે.

જ્યોતિષવિદો અને કર્મકાંડી આચાર્યોના જણાવ્યા મુજબ, આ વર્ષે ચૌદશની તિથિનો ક્ષય હોવાને કારણે સોમવારે 1 નવેમ્બરે રમાએકાદશી અને વાઘબારસ મનાવાશે. જ્યારે મંગળવારે તારીખ 2 નવેમ્બરે દિવસે સવારે 11.31 સુધી વાઘબારસની તિથિ છે અને ત્યારબાદ તેરસની તિથિ છે. આમ તેરસનું મહત્ત્વ સાંજના પ્રદોષકાળે હોવાથી મંગળવારે બારસના દિવસે જ ધનતેરસ મનાવાશે. તેમજ તારીખ 3 નવેમ્બરને બુધવારે સવારે 9.02 સુધી જ તેરસની તિથિ છે અને તેરસના દિવસે જ ચૌદશની તિથિ બેસી જાય છે.

ચૌદશની તિથિનો ક્ષય હોવાથી બુધવારે તેરસના દિવસે જ કાળીચૌદશ મનાવાશે. જ્યારે દિવાળી તારીખ 4 નવેમ્બરને ગુરુવારે અમાસના દિવસે જ મનાવાશે. દિવાળીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરની બજારોમાં પણ રોશનીનો ઝગમગાટ અને લોકોની ખરીદારી નીકળી છે.

આસો વદ-7ને તારીખ 28ને ગુરુવારે પુષ્યામૃત યોગ છે. સવારે 9.43થી પ્રારંભ થતા આ શુભ યોગમાં સોના-ચાંદી, વાહન ખરીદી, પૂજન માટેના ચોપડાની ખરીદી માટે શ્રેષ્ઠ યોગ માનવામાં આવે છે. દિવાળી પહેલા જ હાલ બજારમાં રોનક અને રોશનીનો ઝગમગાટ છવાયો છે ત્યારે દિવાળી પહેલા જ આવતા આ યોગમાં લોકોને પોતાની પસંદગીની ચીજવસ્તુઓ ખરીદવાનો શ્રેષ્ઠ અવસર મળશે.

(Photo-File)