Site icon Revoi.in

તરણેતરનો ભાતીગળ લોકમેળો બે વર્ષ બાદ યોજાશે, પણ લમ્પીને લીધે પશુ મેળો નહીં યોજાઈ

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લાનો તરણેતરનો લોકમેળો જગ પ્રખ્યાત છે. ભતીગળ મેળાને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. કોરોનાકાળનાં 2 વર્ષ સુધી તરણેતરનો ભાતીગણ મેળો મોકૂફ રખાયા બાદ આ વર્ષે યોજાઈ રહ્યો છે. 30 ઑગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન યોજનારા મેળામાં લમ્પી વાઇરસને કારણે પ્રથમ વાર પશુમેળો યોજવા પર પ્રતિબંધ મુકાયો છે. મેળામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય, તે જોવા તંત્રને ખાસ તાકીદ કરાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ હતી, જેમાં કાયદો-વ્યવસ્થા, સફાઈ, ટ્રાન્સપોર્ટેશન, પાર્કિંગ માટે જવાબદારી સોંપવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લાના તરણેતર ગામે યોજાતા વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ મેળાનું આ વર્ષે 30 ઑગસ્ટથી 2 સપ્ટેબર દરમિયાન યોજાશે. કોરોનાને કારણે 2 વર્ષ મેળો મોકૂફ રખાયો હતો. મેળાના આયોજન અંગે જિલ્લા કલેકટર કે. સી. સંપટના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં શિવપૂજન-ધ્વજારોહણ પ્રસંગે ઉપસ્થિત રહેનારા મહાનુભાવો, મેળામાં બ્લોક્સની ફાળવણી, તરણેતરને જોડતા રસ્તા, પાર્કિંગ વ્યવસ્થા, બસ વ્યવસ્થા કાયદો અને વ્યવસ્થા, તળાવ-મેળાના મેદાનની સફાઈ, વિવિધ સ્પર્ધાઓનું આયોજન, ગ્રામીણ ઓલિમ્પિક્સ, સંચાર વ્યવસ્થા, સાંસ્‍કૃતિક કાર્યક્રમ બાબતે ચર્ચા કરી જવાબદારી સોંપાઈ હતી. આ વર્ષ સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હોવાથી મેળામાં સ્વચ્છતા માટે સૂચન કરાયાં હતા. લમ્પી વાઇરસને કારણે આ વર્ષે પશુમેળાનું આયોજન કરવામાં આવશે નહીં. જ્યારે પીજીવીસીએલના અધિકારીઓને સમગ્ર મેળા દરમિયાન વીજપુરવઠો જળવાઈ રહે તે માટે જરૂરી સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી. એન. મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દર્શનાબહેન ભગલાણી, નાયબ જિલ્‍લા પોલીસ અધિક્ષક, તમામ પ્રાંત અધિકારી તેમજ તરણેતરના સરપંચ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.