Site icon Revoi.in

ગુજરાતના ઈતિહાસમાં જુગારધામ ઉપર સૌથી મોટી રેડઃ 170થી વધારે જુગારીઓ ઝબ્બે

Social Share

અમદાવાદઃ શહેરમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે. દરમિયાન શહેરના દરિયાપુર વિસ્તારમાં જીમખાનાની આડમાં ધમધમતા જુગારધામ ઉપર મોનીટરિંગ સેલની ટીમે દરોડા પાડતા નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી 172 જુગારીઓની ધરપકડ કરી હતી. તેમજ 15 વાહન અને રોકડ રકમ જપ્ત કરી હત. જુગારધામના સંચાલકે પોલીસથી બચવા માટે આસપાસની ઇમારતોમાં સીસીટીવી કેમેરા લગાવ્યાં હતા. એટલું જ નહીં તેના માણસો પણ સતત રેકી કરતા હતા જેથી પોલીસની રેડ પડે તો તાત્કાલિક ખબર પડી જાય. ગુજરાતના ઈતિહાસમાં જુગારની રેડમાં આટલી મોટી સંખ્યામાં જુગારીઓ ઝડપાયા હોવાની આ પ્રથમ ઘટના હશે.

પ્રાપ્ત માહિતી અનુસાર દરિયાપુરમાં જીમખાનાની આડમાં મનપસંદ નામે જુગારધામ ધમધમતું હતું. જેની બાતમીના આધારે વહેલી સવારે જ સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે છાપો માર્યો હતો. તેમજ સ્ટેટ મોનીટરીંગ સેલએ રેડ દરમિયાન લગભગ 172 જેટલા જુગારીઓને ઝડપી પડ્યા છે. મનપસંદ જીમખાના દ્રારા અલગ અલગ સાત બિલ્ડિંગમાં આ જુગારધામ ચલાવાતું હતું. આ જુગારધામ ગોવિંદ ઉર્ફે ગામા પટેલ ચલવતો હોવાનું જાણવા મળે છે. પોળની અંદર અલગ અલગ મકાનોમાં જુગારધામ ચાલતું હતું.

તેમજ 16 જેટલા સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યાં હતાં. જયાં કોઈ ગ્રાહક રમવા આવે અથવા કોઈ કામ માટે વોકીટોકીના ઉપયોગથી વાતચીત કરતા હતાં. જુગારધામ ચલાવવા માટે દરિયાપુરની વાઘજીપુરા પોળની અંદર જ અલગ-અલગ 10થી વધુ મકાન રાખવામાં આવ્યાં હતા. તેમજ જુગારીઓને કોંઈન મારફતે જુગાર રમાડવામાં આવતો હતો. શહેરના દરિયાપુરમાં સ્થાનિક પોલીસને અંધારા રાખીને મોનીટરિંગ સેલે દરોડો પાડીને મોટી સંખ્યામાં જુગારીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. આ બનાવને પગલે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે.