બિહાર વિધાનસભામાં સર્વસંમતિથી પાસ થયું અનામત સંશોધન બિલ
- બિહાર વિધાનસભામાં અનામત સુધારા બિલ રજૂ
- તમામ પક્ષોની સર્વસંમતિથી પસાર થયું આ બિલ
- આ મોટા- મોટા ફેરફારો થશે
- ભાજપે આપ્યું સમર્થન
પટના: બિહાર ની રાજનીતિમાં ગુરુવારે એક નવો અધ્યાય ઉમેરાયો છે. ગુરુવારે બિહાર વિધાનસભામાં અનામત સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ તમામ પક્ષોએ સર્વસંમતિથી પસાર કર્યું છે. 2 દિવસ પહેલા રાજ્યના સીએમ નીતીશ કુમારે કેબિનેટ દ્વારા આ બિલ પાસ થવાની જાણકારી આપી હતી.
બિહાર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર, હવે રાજ્યની ખાલી જગ્યાઓમાં અનુસૂચિત જાતિને 20 ટકા, અનુસૂચિત જનજાતિને 2 ટકા, પછાત વર્ગને 18 ટકા અને અત્યંત પછાત વર્ગને 25 ટકા અનામત મળશે. આ આરક્ષણ કુલ 65 ટકા છે. આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે 10 ટકા આરક્ષણ પહેલાથી જ લાગુ છે. એકંદરે, સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો અવકાશ હવે 75 ટકા રહેશે.
બિહારની મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપે બિલને સમર્થન આપ્યું છે. હવે આ બિલને વિધાન પરિષદમાં મૂકવામાં આવશે, જ્યાંથી પસાર થયા બાદ તેને રાજ્યપાલને મોકલવામાં આવશે. રાજ્યપાલની મંજૂરી બાદ કાયદો બનાવવામાં આવશે. નીતિશ કુમારે વિધાનસભામાં કહ્યું કે અમારી અપીલ છે કે કેન્દ્ર સરકાર પણ જાતિની વસ્તી ગણતરી કરાવે. તેમણે કેન્દ્ર પાસે અનામત વધારવાની પણ માંગ કરી છે. તે જ સમયે, ગૃહમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યને વિશેષ દરજ્જો આપવાની માંગને પુનરાવર્તિત કરી છે.