દિલ્હીઃ દેશના સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ હિંદ ફોજના પ્રણેતા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને હવેથી સમગ્ર દેશ પરાક્રમ દિવસ તરીકે મનાવાનો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે નેતાજીનો જન્મદિવસ 23 જાન્યુઆરીએ ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ અંગે મંત્રાલય દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દેશ આ વર્ષે સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિ ઉજવણી કરવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિ સંબંધિત વિદ્વાન, સૈનિક અને સ્ટેટસમેન જેવા કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે. સ્વાતંત્ર્ય સેનાની સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિ નિમિત્તે કેન્દ્ર સરકારે ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ-સ્તરની સમિતિની રચના કરી છે. બીજી તરફ, સંસ્કૃતિ મંત્રાલયે પણ એક સત્તાવાર પ્રકાશન જારી કરીને જણાવ્યું છે કે આ સમિતિ આવતા વર્ષે 23 જાન્યુઆરીથી એક વર્ષ સુધી 125 મી જન્મજયંતિ વર્ષમાં યોજાનારા કાર્યક્રમો અને ઉજવણીના સમયપત્રકનો નિર્ણય લેશે.