નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનમાં પાસ કરવામાં આવેલા 3 ફાર્મ બિલનો ખેડૂતો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે દેશના ગૃહપ્રધાન અમિત શાહે ખેડૂતોને લઈને મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે કહ્યું કે છેલ્લાં 10 વર્ષમાં યુપીએ સરકારે ખેડૂતોનાં રૂ. 60,000 કરોડનાં દેવાં માફ કર્યાં છે, જ્યારે મોદી સરકારે ખેડૂતોનાં રૂ. 95,000 કરોડનાં દેવાં માફ કર્યાં છે. આ સિવાય રૂ. 18,000 કરોડ ખેડૂતોના એકાઉન્ટમાં સીધા જમા કર્યા છે. શરદ પવાર કૃષિપ્રધાન હતા, ત્યારે ખેડૂતોનું બજેટ માત્ર રૂ. 21,900 કરોડ હતું, જ્યારે મોદીજીએ રૂ. 1,34,399 કરોડનું બજેટ કૃષિને આપ્યું છે.
ખેડૂતોના વિકાસ માટે સરકાર દ્વારા જે બિલ પાસ કરવામાં આવ્યું તેના પર પણ ગૃહપ્રધાને પોતાની પ્રતિક્રિયા આપી અને જણાવ્યું કે ત્રણે કૃષિ કાયદાઓ ખેડૂતોની તરફેણમાં છે. ખેડૂતોની જમીન કોઈ છીનવી નથી શકતું. મંડીઓ પણ ચાલુ રહેશે દેશની જનતાએ કોંગ્રેસનો નકારી દીધી છે.
ખેડૂતોના વિરોધ પર અમિત શાહે કહ્યું કે સરકાર ખુલ્લા મને ખેડૂતોની સાથે દરેક મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. મોદીજીને ખેડૂતોએ પૂર્ણ બહુમતી આપી છે એટલે અમે ખેડૂતોનું દરેક પ્રકારે ભલું કરવા તૈયાર છીએ.
અમિત શાહે તે પણ કહ્યું કે કેન્દ્ર સરકારે વર્ષ 2009થી વર્ષ 2014ની વચ્ચે ધાન્ય અને ઘઉંની ખરીદી પર માત્ર રૂ. 3.74 લાખ કરોડનું ધાન્ય અને ઘઉં ખરીદ્યા છે, જ્યારે અમે 8.22 લાખ કરોડના ધાન્ય અને ઘઉં ખરીદ્યા છે. હાલમાં દરેક જગ્યાએ યુરિયા ઉપલબ્ધ છે. એનડીએ સરકારે 10,000 ખેડૂત ઉત્પાદક સંગઠન બનાવ્યાં છે. મધ ઉત્પાદન માટે રૂ. 500 કરોડ આપવામાં આવ્યા છે.
થોડા દિવસો પહેલા વડાપ્રધાન મોદીએ પણ દેશના ખેડૂતો સંબોધતા કહ્યું કે ફાર્મ બિલ જે પસાર કરવામાં આવ્યા છે તે ખેડૂતોની આવકમાં વધારો કરશે અને તે બિલથી ખેડૂતોને કોઈ નુક્સાન થશે નહી. વડાપ્રધાને હાથ જોડીને વિપક્ષને અપીલ પણ કરી હતી કે ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં ન આવે.