Site icon Revoi.in

ગુજરાતમાં ભાજપની સરકાર નગરપાલિકાઓ અને પંચાયતોમાં OBC અનામત માટે કાયદો લાવશે

Social Share

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ઝવેરી પંચના અહેવાલ પછી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં અનામત નક્કી કરવા માટે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી વિધાનસભા સત્રમાં કાયદો લાવવાનું નક્કી થયું છે. અનામતનો કાયદો લાવતા પહેલાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં કેટલી અનામત રાખવી તે મુદ્દે ચર્ચા કરવાનો એજન્ડા  કેબિનેટની બેઠકમાં લવાશે. આ ઉપરાંત જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી દિવાળી પછી યોજવાની સરકારની ગણતરી છે. રાજ્યની 14655 ગ્રામ પંચાયત, 158 નગરપાલિકા, 33 જિલ્લા પંચાયત, 218 તાલુકા અને 8 મહા નગરપાલિકા મળી આશરે 15072 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં મોટાભાગની જિલ્લા અને તાલુકા પંચાયતોની મુદત પૂર્ણ થઈ ગયેલી છે. તેમજ મોટાભાગની નગરપાલિકાઓમાં પણ મુજત પૂર્ણ થતાં વહિવટદારનું શાસન ચાલી રહ્યું છે. સ્થાનિક સ્વારજની ચૂંટણીઓ મોડી યોજવાનું કારણ ઓબીસી અનામત છે. ઝવેરી પંચનો રિપોર્ટ સરકારને સુપરત કરાયા બાદ જિલ્લા અને તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાઓમાં જે તે વિસ્તારોમાં વસતીના પ્રમાણમાં ઓબીસી અનામત લાગુ કરાશે. અને તેના માટે વિધાનસભામાં કાયદો પસાર કરાશે. ઓબીસી અનામત લાગુ કરવાથી ભાજપને ચૂંટણીમાં પણ ફાયદો થાય તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ દિવાળી બાદ યોજવાથી લોકસભાની ચૂંટણી પહેલાનો મતદારોનો મિજાજ પણ જાણી શકાય એવી ભાજપના નેતાઓની ગણતરી હોવાનું કહેવાય છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે ગ્રામ પંચાયતોના વિભાજનની પ્રક્રિયા હાથ ધરી દીધી છે. સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ઓબીસી અનામત નક્કી કરવા માટે સરકાર દ્વારા ઝવેરી પંચની રચના કરવામાં આવી હતી. ઝવેરી પંચે અનામત નક્કી કરવા માટે ઓબીસી સમાજના પ્રતિનિધિઓને સાંભળ્યા હતા. આ પછી ગુજરાતમાં ઓબીસી સમાજની 52 ટકા વસ્તીને ધ્યાનમાં રાખીને અહેવાલ તૈયાર કરીને આપ્યો હતો. રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનામત નક્કી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી દીધી છે. આ માટે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી. આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનામત નક્કી કરવા માટેની ચર્ચા થઇ હતી. આ ચર્ચામાં અનામત નક્કી કરવા માટે સમગ્ર બાબતને કેબિનેટની બેઠકમાં લાવવી તેવું પણ નક્કી થયું હતું. આ પછી ઓબીસી અનામત નક્કી કરવા માટેનો કાયદો આગામી વિધાનસભાના ચોમાસું સત્રમાં લાવવો તેવો નિર્ણય લેવાયો હતો. કાયદો બની જાય પછી ગ્રામ પંચાયતોની ચૂંટણી દિવાળી પછી કરવી તેવું આયોજન સરકારે કર્યુ છે.