અમદાવાદઃ ગેસ સીલીન્ડરમાં 50 રૂપિયાનો ફરી એક વખત વધારો ઝીકીને ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગને જીવન જીવવુ મુશ્કેલ બનાવી દેનારી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકારે ગેસ સબસીડી ખતમ કરી દીધી છે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકારે વર્ષ 2012-13માં દેશની જનતાને રાહત આપવા માટે ગેસ સીલીન્ડર (એલ.પી.જી.) માં સબસીડી રૂ. 39,558 કરોડ આપી હતી. વર્ષ 2013-14માં કોંગ્રેસ સરકારે રૂ. 46,458 કરોડની સબસીડી આપીને જનતાને રાહત આપી હતી જે મોદી સરકારે 2015-16માં 18 કરોડ અને વર્ષ 2016-17માં સબસીડી શૂન્ય કરી દીધી. રાંધણ ગેસ સીલીન્ડરના અઢીગણા ભાવ વસુલીને ભાજપા સરકાર સતત સિસ્ટમ લૂટ ચલાવી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મોઘું શિક્ષણ, મોંઘી આરોગ્ય સેવા, વીમા કંપનીના વધતા જતા પ્રિમીયમ, ઘટતા જતા પગારથી સામાન્ય – મધ્યમવર્ગના પરિવારો આર્થિક તકલીફોનો સામનો કરી રહ્યાં છે. ગેસના બાટલામાં 50 રૂ. નો ફરી વધારાથી રૂ. 1000ના ભાવે પહોંચી ગયો છે જે વર્ષ 2014માં 400 રૂપિયાનો બાટલો મળતો હતો. સતત વધતી જતી મોંઘવારી, વધતા જતા ખર્ચ, બીજી બાજુ સતત ઘટતી આવક, ફિક્સ ડીપોઝીટના ઘટતા જતા વ્યાજદરથી સીનીયર સીટીઝન પરિવારો માટે જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે. “બહુત હુઈ મહંગાઈ કી માર”, “અચ્છેદિન” ના રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારમાં મોંઘવારી આસમાને, ભાજપા સરકારમાં સંગ્રહખોરો, કાળાબજારીયાઓ બેફામ છે.
તેમણે ઉમેર્યું હતું કે, કોરોના મહામારી અને આર્થિક હાલાકીમાં મોંઘવારીના બેફામ મારથી સામાન્ય – મધ્યમવર્ગને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. કિરાણા ખર્ચમાં છ મહિનામાં 9.3 ટકા અને બે વર્ષમાં 44.97 ટકાનો જંગી વધારાથી મહિને ઘરના બે છેડા ભેગા કરવામાં ભારે મુશ્કેલીનો ગૃહિણીઓ સામનો કરી રહી છે. ઘરના બજેટ પણ ખોરવાઈ ગયા છે. સીંગતેલ – કપાસીયા તેલના ડબ્બાના બમણા ભાવ, તેલમિલરો અને ભાજપ સરકારની સાંઠગાંઠથી જનતા પરેશાન છે. સીંગતેલના એક ડબ્બાનો ભાવ રૂ. 3050, કપાસીયા તેલના રૂ. 2950, પામોલીન તેલના રૂ. 2700 અને સોયાબિન તેલના રૂ. 2400 થઈ ગયા છે. કપાસીયા અને સીંગતેલના ભાવ લગભગ સરખા થઈ ગયા છે. સાબું – ટુથપેસ્ટ, માઉથવોશ, શેમ્પુના ભાવમાં પણ ફરી વધારો કંપનીઓ કરી રહી છે, દશ ટકા ભાવ વધારાથી પરિવારોનું બજેટ ખોરવાયું છે. અગાઉ ફેબ્રુઆરીમાં પણ ભાવ વધારો થયો હતો. તેલ, મસાલા, સાબુ, સોડા, સહિતની જીવન નિર્વાહની ચીજ વસ્તુઓના વધતા જતા ભાવ થી સામાન્ય – મધ્યમ વર્ગની કમર તૂટી રહી છે.