ગુજરાતમાં વિપક્ષને કોઈ મુદ્દો ન મળે તે માટે ભાજપ સરકાર દરેક જિલ્લામાં લોકપાલની નિમણૂંક કરશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે. ત્યારે આમ આદમી પાર્ટી (આપ)એ દેરાતંબુ તાણીને લોકસંપર્ક શરૂ કરી દીધો છે. આપના ગુજરાત પ્રવેશથી ભાજપ સરકાર એક્શન મોડ પર આવી ગઈ છે અને ‘આપ’ ને કોઈ રાજકીય મુદ્દો જ ના મળે અને એના સુપ્રીમો કેજરીવાલની ભૂતકાળની લડતનું ભૂત ગુજરાતમાં પણ ફરી ના સળવળે એ માટે નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે, જેના ભાગ રૂપે ગુજરાતમાં હવે રાજય સરકાર દરેક જિલ્લામાં ‘લોકપાલ’ની નિયુક્તિ કરશે. રાજ્ય સરકારે આ અંગેની એક દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી આપી છે અને આગામી ચાર માસમાં આ નિયુક્તિ થઈ જશે.
રાજ્યમાં નિવૃત્ત IAS કે એ કક્ષાના નિવૃત્ત અધિકારીને લોકપાલ તરીકે નિયુક્ત કરાશે. રાજ્યના નિવૃત્ત અધિકારીઓ, જેઓ લાંબા સમય સુધી ઉચ્ચ સ્થાને ફરજ બજાવી ચૂકયા હોય તેઓ સરકારી પ્રક્રિયાથી જાણકાર હોય તેવા અધિકારીઓને બેસાડવામાં આવી શકે છે. જોકે નિવૃત્ત અધિકારીઓ સરકારની ‘ફેવર’ પણ કરી શકે એવો ભય છે. સરકારની આ દરખાસ્તને મંજૂરી મળ્યા બાદ જિલ્લા કક્ષાના લોકપાલની કચેરીનું માળખું અને નિયમો ઘડી કઢાશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં જ આમઆદમી પાર્ટીનો ગુજરાતમાં પ્રવેશ થયો છે અને રાષ્ટ્રીય કક્ષાએ લોકપાલની નિયુક્તિ મુદ્દે જે આંદોલન થયું હતું એમાં ‘આપ’ના હાલના વડા અરવિંદ કેજરીવાલ જોડાયા હતા અને એ સમયથી જ તેઓ જાણીતા બન્યા હતા અને બાદમાં દિલ્હીમાં તેમની ‘આપ’ની સરકારનું બે ટર્મથી શાસન છે. હવે ગુજરાતમાં ‘આપ’ના આગમનથી તેની અગમચેતીરૂપે ભાજપ સરકારે આ પગલું લેવાની પ્રક્રિયા શરૂ કરી હોવાનું જાણકારો માની રહ્યા છે.