અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદ સહિત છ કોર્પોરેશનમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો. છ શહેરના મેયરની પસંદગી મામલે ભાજપના વિવિધ નેતાઓના નામ ચર્ચાઈ રહ્યાં છે. દરમિયાન ભાજપ દ્વારા છ શહેરોના મેયર, ડે.મેયર તથા વિવિધ કમિટીના આગેવાનોની પસંદગી માટે તા. 8મી માર્ચના રોજ પાલામેન્ટી બોર્ડની બેઠક બોલાવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ છ શહેરમાં મેયર અને ડે.મેયરની પસંદગી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. બીજી તરફ વિવિધ શહેરના ભાજપના રાજકીય આગેવાનોના નામ મેયર, ડે.મેયર સહિતની વિવિધ કમીટી નામે નામ ચર્ચાઈ રહ્યાં છે. ભાજપ દ્વારા પણ હવે મેયર અને ડે.મેયર સહિતના હોદ્દેદારોની પસંદગી માટે કામગીરી શરૂ કરી છે.
છ મહાનગર પાલિકામાં હોદ્દેદારોનીઓની પસંદગી માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 8 માર્ચના રોજ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાશે. જેમાં પ્રદેશ પ્રમુખ આર.સી. પાટિલના અધ્યક્ષ સ્થાને મળનારી બેઠકમાં સી.એમ.રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સહિત પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો હાજર રહેશે. જેમાં અમદાવાદ, વડોદરા,સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગર પાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત અલગ અલગ સમિતિઓના ચેરમેનના નામ પર આખરી મહોર મારવામાં આવશે.
કોંગ્રેસમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં વિપક્ષના નેતાઓની પસંદગી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. જ્યારે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિપક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે.