ભાજપની 1લી ફેબ્રુઆરીએ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશેઃ ઉમેદવારોની પસંદગીને અપાશે આખરી ઓપ
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોન5 પસંદગીની પ્રક્રિયા ભાજપ દ્વારા શરૂ કરવામાં આવી છે. ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા લગભગ પૂર્ણ કરી લીધી છે. તેમજ તા. 30મી સુધીમાં નિરીક્ષકોનો રિપોર્ટ મવડીમંડળને મોકલી આપવામાં આવશે. દરમિયાન તા. 1થી 3 ફેબ્રુઆરીએ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. તે પૂર્વે ભાજપના પ્રભારી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ અને રણનીતિ અંગે સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ તા.30-31 જાન્યુઆરીના રોજ ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ સતત બે દિવસ કમલમમાં પ્રદેશ પ્રમુખ સહિતના અગ્રણીઓ સાથે ચૂંટણીઓની તૈયારી, ઉમેદવારોની પસંદગી અંગે મેરેથોન ચર્ચા કરશે. બીજી તરફ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ઉમેદવારોની પસંદગીના માપદંડોમાં ધરખમ ફેરફાર કરે તેવી શકયતા છે. તેઓ મૂળ ભાજપીઓને જ ટિકીટ આપવા માંગે છે. એટલું જ નહીં 55 વર્ષથી નીચેના લોકોને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીમાં અગ્રતા અપાશે. તેથી વધુની ઉંમરના લોકોને ઉમેદવારી જ નહી કરવા સલાહ આપવામાં આવી છે. બીજી તરફ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીને લઈને સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. નિરીક્ષકો દ્વારા આ અંગે પક્ષના મવડીમંડળને રિપોર્ટ પણ આપી દેવામાં આવશે. તા. 1,2 અને 3 જાન્યુઆરીના રોજ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સંગઠનને વધારે મજબુત કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આયાતી નેતાને ટિકીટ નહીં આપવાનો તેમણે અગાઉ મત વ્યક્ત કર્યો હતો.