ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. રાજ્યમાં કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે ઘો. 10 અને 12ના પરીક્ષાર્થીઓ તેમજ તેમના વાલીઓ અવઢવમાં હતા કે નિયત તારીખે અને સમયે પરીક્ષા લેવાશે કે કેમ? . બીજીબાજુ સોશિયલ મીડિયામાં પરીક્ષા તારીખ પાછી ઠેલવામાં આવી હોવાના ફેક ન્યુઝ વાયરલ થયા હતા. આથી બોર્ડના સત્તાધિશોએ સ્પષ્ટતા કરી છે કે, ધોરણ 10 અને 12ની પરીક્ષા અગાઉ જાહેર કરેલા કાર્યક્રમ મુજબ તા. 10-05 2021થી તા.25-05-1021 દરમિયાન લેવાશે. એટલે કે ધો. 10 અને 12ની પરીક્ષા જાહેર કરેલા કાર્યક્રમ મુજબ જ લેવાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડની યાદીમાં જણાવાયુ છે કે, તા.1-4-2021ના રોજ બોર્ડના સંયુક્ત નિયામકના હોદ્દા અને સહીથી ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખો અંગે વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયામાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા પરીક્ષાની તારીખ અંગે ફેરફાર કરીને બનાવટી યાદી વાયરલ કરી છે, જેથી રાજ્યના વિદ્યાર્થીઓ અને વાલીઓ અને શિક્ષણ સાથે સંકળાયેલા કર્મચારીઓને ગેરમાર્ગે દોરવાનો નિંદનીય પ્રયાસ કર્યો છે. બોર્ડ દ્વારા મે-2021માં લેવાનારી પરીક્ષાના કાર્યક્રમમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. એટલે કે, ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની જાહેર પરીક્ષા તેના અગાઉ જાહેર કરેલા નિયત કાર્યક્રમ મુજબ તા.10-05-2021થી તા.25-05-2021 દરમિયાન લેવામાં આવશે.