નવી દિલ્હીઃ એશિયા કપના આયોજનને લઈને ગુંચવાયેલુ કોકડુ ઝડપથી ઉકેલાય તેવી શકયતા છે. ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પાકિસ્તાનમાં એશિયા કપ યોજાવાનો છે. જો કે, સુરક્ષાના કારણોસર બીસીસીઆઈએ પાકિસ્તાનમાં રમવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ ટીમ ઈન્ડિયાની તમામ મેચ પાકિસ્તાનની બહાર રમાડવાની માંગણી કરી હતી. બીજી તરફ પાકિસ્તાન એશિયા કપને પોતાના દેશમાં જ રમાડવાની સતત માંગણી સાથે ભારતને ધમકી આપી હતી. જો એશિયા કપ પાકિસ્તાનમાં નહીં રમાય તો પાકિસ્તાનની ટીમ ક્રિકેટ વર્લ્ડકપ રમવા ભારત નહીં આવે તેવી ધમકી આપી હતી. જો કે, હવે બાંગ્લાદેશ સહિતના અન્ય દેશો પણ એશિયા કપ રમવા પાકિસ્તાન જવા માંગતુ નહીં હોવાનું જાણવા મળે છે. હવે એશિયા કપને શ્રીલંકામાં ખસેડવામાં આવે તેવી અટકળો વહેતી થઈ છે. એટલું જ નહીં શ્રીલંકા ક્રિકેટ બોર્ડ એશિયા કપ 2023ના આયોજનને લઈને દાવો કરે તેવી શકયતા છે.
બીસીસીઆઈની સ્પેશિયલ જનરલ મીટિંગ તાજેતરમાં યોજાઈ હતી. જેમાં એશિયા કપ 2023ને લઈને કોઈ નિર્ણય લેવાયો ન હતો. દરમિયાન પીસીબીના હાઈબ્રિડ મોડલને લઈને બીસીસીઆઈ, શ્રીલંકા ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ તથા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ સંતુષ્ટ નહીં હોવાનું જાણવા મળે છે. દરમિયાન હવે શ્રીલંકા ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ હવે એશિયા કર 2023નું આયોજન પોતાના દેશમાં કરવાની માંગણીને લઈને એશિયન ક્રિકેટ કાઉન્સિલ સમક્ષ પ્રસ્તાવ મુકશે. આ માટે શ્રીલંકા ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પહેલા જ ધમકી આપી હતી કે, જો હાઈબ્રિડ મોડલના આધારે એશિયા કપ નહીં રમાય તો પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરવા માટે તૈયાર છે. દરમિયાન એશિયાઈ ક્રિકેટ કન્ટ્રોલ આગામી દિવસોમાં એશિયા કપ 2023ના આયોજનને લઈને નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે.