Site icon Revoi.in

નવસારીના પાંચ માછીમારો સાથેની બોટ “ જગવંદન” મધદરિયે ગુમ થઈ

Social Share

નવસારીઃ મુંબઇ ખાતે માછીમારી કરવા ગયેલા 8 માછીમાર સાથે જગવંદન નામની બોટ અરબ સાગરમાં 10 દિવસ પહેલા ગુમ થઈ હતી. જેની શોધખોળ સ્થાનિક પોલીસ અને અન્ય બોટ દ્વારા કરવામાં આવી હતી. જોકે 10 દિવસ બાદ બોટની કોઈ માહિતી નહી મળતા આ બોટ ગુમ થયાની ફરિયાદ મુંબઈ ખાતે રહેતા માલિકે કરી હતી. જેમાં નવસારીના 5  માછીમારો હોવાથી તેમના પરિવારજનોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે.

દર વર્ષે નવસારીના માછીમારો શ્રાવણ માસ બાદ માછીમારો બોટ લઈને દરિયામાં જતા હોય છે અને અલગ અલગ બંદરોએ માછીમારીનો ધંધો કરતા હોય છે. નવસારી જિલ્લામાંથી પણ હળપતિ સમાજના માછીમારો બોટમાં માછીમારી કરવા માટે ખલાસી તરીકે જતા હોય છે. નવસારીના છાપરા રોડના અદડી ખાતે રહતા હળપતિ સમાજના ચાર લોકો અનિલ રમેશભાઈ હળપતિ, તેમના ભાઈ અમિત હળપતિ, શંકરભાઈ હળપતિ અને નિમેશ હળપતિ પણ ઓગષ્ટ માસમાં રક્ષાબંધન બાદ બાલવીરભાઇ સાથે મુંબઈ ખાતે કૈલાશ સોલંકી નામના વેપારીને ત્યાં તેઓ કામ કરવા ગયા હતા. 10 દિવસ પહેલા જગવંદન નામની બોટમાં નવસારીના સહિત 8 લોકો અરબ સાગરમાં માછીમારી કરવા માટે ગયા હતા. ત્યારબાદ તેમનો વાયરલેસ ઉપર સંપર્ક તૂટી ગયો હતો.

આ બાબતે બોટના મલિક કૈલાશ સોલંકીએ પોતાની બોટનો સંપર્ક કરવા માટે સ્થાનિક પોલીસની પણ મદદ લીધી હતી. તેઓનો કોઈ સંપર્ક થયો ન હતો. આ બોટની આસપાસ બોટ હોય તે માટે મેસેજો પણ પોલીસ દ્વારા મુકવામાં આવ્યા હતા, પણ કોઈ માહિતી મળી ન હતી. રવિવારે નવસારી ખાતે રહેતા હળપતિ પરિવારને ત્યાં મુંબઈથી બોટના મલિક અને પોલીસનો ફોન આવ્યો હતો કે, તમારા સ્વજનોના આધાર કાર્ડ અને ફોટા જોઈએ છે. બોટ ગુમ થઈ હોય તેમાં કામ કરતા લોકોની ઓળખ થઈ શકે. નવસારી ખાતે રહેતા સ્વજનોમાં ચિંતાની લાગણીઓ ઉભી થઇ હતી. આ બાબતે મુંબઇ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. (File photo)