Site icon Revoi.in

વડોદરાની હોસ્પિટલમાં મૃતદેહ બદલાઈ ગયા, અગ્નિસંસ્કાર બાદ પરિવારજનોને ખબર પડી

Social Share

વડોદરાઃ શહેરની સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગની લાપરવાહીથી મૃતદેહો બદલાઈ ગયા હતા.  અંતિમવિધિ માટે મૃતકના સ્વજનો મૃતદેહ લેવા હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પર પહોંચ્યા, પણ પીએમરૂમમાંથી મૃતદેહ ગાયબ હતો. બાદમાં પરિવારજનોએ હોબાળો મચાવી મૃતદેહની માગ કરી હતી. દરમિયાન તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે, હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગના સ્ટાફે મૃતદેહ અન્ય પરિવારને આપી દીધો હતો અને એ મૃતદેહના અગ્નિસંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા. હોસ્પિટલ સાથે અન્ય પરિવારે પોતાના પરિવારના સભ્યની ઓળખ બાદ મૃતદેહ સ્વીકાર્યો હોવા છતાં આટલી મોટી ગંભીર બેદરકારી કઈ રીતે થઈ શકે. પરિવારજનોએ માગ કરી છે કે યોગ્ય તપાસ કરવામાં આવે અને જે કોઈની ભૂલ હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ. આ અંગે સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ રંજન ઐયરે બાંયધરી આપી હતી કે ત્રણ સભ્યની કમિટી 72 કલાકમાં તપાસ કરી રિપોર્ટ આપશે અને જે કોઈ વ્યક્તિની ભૂલ હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ બનાવની વિગતો એવી છે. કે,  વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા 73 વર્ષીય નિત્યાનંદ ગુપ્તાને છાતીમાં દુખાવો થતાં ગોત્રી હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં તેમનું મૃત્યુ થયું હતું. બાદમાં પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને કોલ્ડસ્ટોરેજમાં મુક્યો હતો. નિત્યાનંદ ગુપ્તાનાં અન્ય સગાંસંબંધીઓ બહારગામ હોવાથી સવારે અંતિમવિધિ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સવારે નિત્યાનંદ ગુપ્તાનાં પરિવારજનો કોલ્ડસ્ટોરેજ ખાતે પહોંચતાં અન્ય મૃતદેહ જોઈ ચોંકી ઊઠ્યા હતા. નિત્યાનંદ ગુપ્તાના મૃતદેહને મૂક્યા પછીની જે પાવતી જોઈ પછી ખુલાસો થયો કે મૃતદેહ અન્ય પરિવારને સોંપવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટનાને પગલે સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન ઐયરે જણાવ્યું હતું કે એક મૃતદેહને બદલે બીજો મૃતદેહ સોંપાઈ ગયો છે, જે ગંભીર બાબત છે. એક પરિવારે નિત્યાનંદ ગુપ્તાના મૃતદેહને પોતાના પરિવારજન તરીકે ઓળખ કરી હતી. નિત્યાનંદ ગુપ્તાના મૃતદેહના અંતિમસંસ્કાર થઈ ગયા છે. નિત્યાનંદ ગુપ્તા અને પરિમલ દવે નામની વ્યક્તિઓના મૃતદેહની અદલાબદલી થઈ ગઈ છે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પોલીસ કોન્સ્ટેબલની હાજરીમાં થાય છે, સાથે એસ.એસ.જી.હોસ્પિટલમાં સ્ટાફ પણ પ્રક્રિયા કરતા હોય છે. સિસ્ટમ બહુ જ વ્યવસ્થિત છે છતાં આ ઘટનાને લઇ ગંભીર તપાસ કરાશે.

હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે પરિમલ દવેનો મૃતદેહ હાલ એસ.એસ.જી. હોસ્પિટલમાં જ છે, મૃતદેહના ટેગના આધારે બોડી આપવામાં આવે છે. આ મૃતદેહમાં શરીર ઓળખાય એવું જ હતું, પરંતુ માનવીય ક્ષતિને આધારે બનાવ બન્યો છે. આ મામલે 3 સિનિયર સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ ઘટનાને ગંભીર ગણી 72 કલાકમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે. આ સાથે રિપોર્ટ બાદ કસૂરવારો સામે કાર્યવાહી કરાશે. આ પરિવારનાં સગાંવહાલાં ઓળખ કરીને મૃતદેહ લઈ ગયા હતા અને અમારા સ્ટાફે તેમની ડબલ ચકાસણી ન કરી એ તેમની ભૂલ છે.