નવરાત્રીના તહેવારોને લીધે ઈલેક્ટ્રિક્સ અને ઈલેક્ટ્રોનિક્સ બજારમાં તેજીની વેપારીઓને આશા
અમદાવાદઃ શહેરમાં કોરોનાના બીજા કાળે વિદાય લઈ લીધી છે. સરકારે નિયંત્રણો હટાવી લેતા હવે રોજગાર-ધંધા પણ રાબેતા મુજબ બની ગયા છે. રાજ્ય સરકારે નવરાત્રિમાં સોસાયટીઓમાં ગરબાની પરવાનગી આપી છે. જેને લઇને તેના પર આધારિત ધંધા-વેપારમાં પણ નવા પ્રાણ ફૂંકાયા છે. નવરાત્રિના તહેવાર સમયે મુખ્યત્વે સાઉન્ડ સિસ્ટમ અને ડેકોરેશન માટે ઇલેક્ટ્રિક સાધનોની મોટા પ્રમાણમાં માંગ રહેતી હોય છે. ત્યારે શહેરના રીલીફ રોડ સ્થિત ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિક માર્કેટના વેપારીઓ સારી ઘરાકીની આશા રાખી રહ્યા છે.
શહેરના રીલીફ રોડના ઇલેક્ટ્રોનિક માર્કેટના વેપારીઓના જણાવ્યા મુજબ દર વર્ષે સામાન્ય રીતે દર વર્ષે ગણેશ મહોત્સવની સાથે નવરાત્રિના મહિના અગાઉ બજારમાં ઘરાકી જોવા મળતી હોય છે. જેમાં એમ્પ્લિફાયર, સ્પીકર, માઇક્રોફોનની ખરીદી માટે લોકો આવતા હોય છે. જોકે ગયા વર્ષે કોવિડના કારણે નવરાત્રિની ઉજવણી થઇ ન હતી, જેના કારણે મોટા પ્રમાણમાં આર્થિક નુકશાની ભોગવવાનો વારો આવ્યો હતો. સામાન્ય રીતે નવરાત્રિ અને ગણેશ મહોત્સવ દરમિયાન દિવસના 5-7 સાઉન્ડ સિસ્ટમના સેટનો વેપાર થતો હોય છે. પરંતુ આ વર્ષે અત્યાર સુધી બજારમાં તહેવારની મોસમ જોવા મળી નહોતી. જોકે હવે સરકારે શેરી ગરબાની પરવાનગી આપી દેતા વેપાર થશે તેવી આશા રાખી રહ્યા છીએ. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ રાજ્યભરમાંથી અને પડોશી રાજ્યો એવા રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ લોકો ખરીદી માટે આવતા હોય છે.
બીજી તરફ નવરાત્રિના તહેવારમાં ડેકોરેશન માટે વિવિધ પ્રકારની લાઇટ પણ મોટા પ્રમાણમાં રહેતી હોય છે. ગાંધી રોડ પરના ઇલેક્ટ્રિકના વેપારીઓએ જણાવ્યું કે ગણપતિના તહેવારથી લઈને દિવાળી સુધી ડેકોરેશન માટે વિવિધ પ્રકારની લાઈટ અને સીરીઝની ઘરાકી જોવા મળતી હોય છે. ગયા વર્ષે ધંધો ન હતો, પરંતુ આ વર્ષે નવરાત્રિની મંજૂરી આપવામાં આવી છે તે વેપારીઓ માટે મોટી રાહત સમાન છે. હાલ બજારમાં 40 ટકા વેપાર જોવા મળી રહ્યો છે