અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે જેઠ મહિનામાં મેધરાજાનું આગમન થયું છે. વરસાદ પડતા જ મોટાભાગના ખેડુતોએ વાવણીનું કાર્ય પૂર્ણ કરી દીધુ છે. હવે વરસાદ ખેંચાતા ખેડુતો ચિંતિત બન્યા છે. સાથે ઘણા ગામડાંમાં પીવાના પાણીની સમસ્યા પણ સર્જાઈ છે. રાજ્યમાં સીઝનનો 14.63 ટકા ટકા વરસાદ થયો છે. ગત વર્ષના જૂન મહિનામાં 14.71 ટકા વરસાદ થયો હતો. રાજ્યનાં 206 જળાશયમાં 39 ટકા જળસંગ્રહ છે. માત્ર બે ડેમો જ સંપૂર્ણ ભરેલા છે. બન્ને જળાશય અમરેલી જિલ્લાનાં છે. 65 જળાશયમાં 10 ટકાથી ઓછું પાણી છે, જ્યારે 118માં 25 ટકાથી પણ ઓછું પાણી છે.
સરદાર સરોવરમાં 43 ટકા જળસંગ્રહ છે. સરદાર સરોવરમાં છેલ્લા એક મહિનામાં જળસપાટી 9.24 મીટર ઘટી છે. હાલમાં સપાટી 113.12 મીટર છે. ગત 5 જૂને સપાટી 122.36 મીટર હતી. 6 જળાશયમાં જ 80%થી વધારે પાણી છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે, મધ્ય ગુજરાતમાં 44%થી વધારે અને દક્ષિણ ગુજરાતમાં 40 ટકા પાણી છે. સૌરાષ્ટ્રમાં 31 ટકા સંગ્રહ છે. સૌથી ઓછો જળસંગ્રહ ધરાવતા જિલ્લાઓમાં બનાસકાંઠા 7 ટકા, ખેડા 4 ટકા અને દેવભૂમિ દ્વારકા 2.54 ટકા છે. ગત વર્ષે 3 જુલાઇ સુધી 45.67 ટકા જળસંગ્રહ હતો.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ, આગામી 5 દિવસમાં સારા વરસાદની શક્યતા નહીંવત છે. વાવણી બાદ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો ન હોવાથી ખેડૂતો ચિંતામાં છે. જો એક સપ્તાહમાં સારો વરસાદ ના પડે તો પાક નિષ્ફળ જવાનો પણ ભય છે. છેલ્લાં 30 વર્ષમાં સૌથી વધારે 50 ઇંચ વરસાદ 1994માં, જ્યારે સૌથી ઓછો 18 ઇંચ વરસાદ 2000માં થયો હતો. ગત વર્ષે કુલ વરસાદના 58 ટકા વરસાદ એકલા ઑગસ્ટ મહિનામાં જ પડી ગયો હતો. 2005, 2006 અને 2007 એમ સતત 3 વર્ષ સતત 40 ઇંચથી વધારે વરસાદ થયો હતો. સામાન્ય રીતે એક સારા ચોમાસા બાદ બે ચોમાસાં નબળાં જાય છે.