મોરબીઃ ઉનાળાના પ્રારંભથી મોરબી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે. હાલ ધોમધખતા તાપ વચ્ચે જળસંકટના વાદળો ઘેરાયા છે. જેમાં હળવદના બ્રાહ્મણી ડેમના તળિયા દેખાયા છે. આથી બ્રમ્હાણી ડેમના નર્મદાનાં નીર ન ઠલવાય તો હળવદના 22 જેટલા ગામોમાં જળ કટોકટીની વિકટ પરિસ્થિતિ સર્જાય એમ છે. બીજી તરફ માળીયા, વાંકાનેરમાં હાલ પાણીની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હોવાથી આ તાલુકાઓમાં ટેન્કર રાજની સ્થિતિ ઉદભવી છે. જેમાં દરરોજ 50 ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવી રહ્યાનો તંત્રએ દાવો કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. જેમાં હળવદ તાલુકામાં જો તંત્ર સમયસર આયોજન નહીં કરે તો પાણીની ગંભીર પરિસ્થિતિ સર્જાય શકે એમ છે. જેમાં હળવદનો બ્રાહ્મણી-2 ડેમ હવે ખાલી થવાની તૈયારીમાં છે. હવે આ ડેમમાં માત્ર પાંચ કે સાત દિવસ ચાલે એટલું જ પાણી બચ્યું છે. હળવદના બ્રાહ્મણી-2 ડેમમાંથી જીડબ્લ્યુએલવાળા 125 એમએલડી પાણી અને પાણી પૂરવઠા બોર્ડ દરરોજ 19 એમએલડી પાણી ઉપાડે છે. આથી હવે ડેમના તળીયા દેખાતા હોઇ આવનારા થોડા દિવસોમાં જ પાણીની મોટી હાડમારી સર્જાશે. આ અંગે પાણી પૂરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે, હળવદનો બ્રાહ્મણી-2 ડેમ ખલાસ થવાની તૈયારીમાં હોવાથી તેમના દ્વારા નર્મદા નિગમ અને જળસંપત્તિ વિભાગને રજૂઆત કરીને વહેલી તકે આ ડેમને નર્મદાના નીરથી ભરી દેવા માંગ ઉઠાવી છે.
નર્મદા નિગમ અને જળસંપત્તિ વિભાગને રજુઆત બાદ પણ હજુ આ ડેમને નર્મદા નીરથી ભરી દેવાયો ન હોઇ ફરીથી રજૂઆત કરી તેમજ મોરબી ખાતે કલેક્ટર કચેરીમાં સંકલન સમિતિની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે ટૂંક સમયમાં હળવદનો આ ડેમ નર્મદાથી નહિ ભરાય તો હળવદ તાલુકાના 22 ગામોને પાણી માટે વલખા મારવાની નોબત આવશે. જ્યારે માળીયા અને હળવદના અગર વિસ્તારમાં 46 ફેરા સાથે પાણીના ટેન્કરો દોડાવવામાં આવી રહ્યા છે. જેમાં માળીયાના મંદરકી ગામે દરરોજ દસ હજાર લીટર પાણી તેમજ વાંકાનેરના લાકડધારમાં 10 હજાર લીટરના 3 ફેરા સાથે ટેન્કર પહોંચાડવામાં આવે છે. બાકી ક્યાંય પાણીની સમસ્યા નથી તેમ પાણી પુરવઠાના અધિકારીએ જણાવ્યું હતું.