અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક શહેરો-નગરોમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યા સર્જાય છે. જો કે, પાણીની સમસ્યા હળવી કરવા માટે સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન સુરેન્દ્રનગર જીલ્લાના 11 ડેમોના તળિયા દેખાઈ રહ્યાં છે. જેથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યા ઉભી થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન 15 ગામના લોકોએ ભેગા મળીને સુકાતા ડેમોમાં તાત્કાલિક પાણી છોડવા અને અધિકારીઓને સતર્ક બની આગોતરુ આયોજન કરવાની રજૂઆત કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વાંસલ, ફલકુ, મોરસલ, સબુરી, નિંભણી, ત્રિવેણી ઠાંગા સહિત કુલ 11 ડેમમાં કુલ ક્ષમતાનાં 36 ટકા જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. જેને કારણે ઊનાળામાં જળ સંકટ સર્જાવાની ભીતિ દેખાઈ રહી છે. વાંસલ, ફલકુ, મોરસલ, સબુરી ડેમમાં પાણી ઘટ્યું છે તો મોરસલ, સબુરી, નિંભણી ડેમમાં 10 ટકાથી ઓછો પાણીનો જથ્થો છે. જિલ્લાના એકમાત્ર ધોળીધજા ડેમમાં 66 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ આ ડેમમાંથી નર્મદા કેનાલનું પાણી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પુરૂ પડાતું હોવાથી તેને રિઝર્વ રખાયો છે. તેમ છતાં તંત્ર એવા દાવા કરી રહ્યું છે કે ઉનાળામાં પાણીની તંગી નહીં સર્જાય.
દર વર્ષે શિયાળામાં જ ડેમમાંથી પાણી ખાલી થઈ જાય તેવી સ્થિતિ સર્જાય છે. સમગ્ર જિલ્લામાં ઉનાળા દરમિયાન ફરી એકવાર બેડા યુદ્ધ જોવા મળી શકે તેવી સ્થિતિ છે. દર વર્ષે આવી સ્થિતિ ઊભી થતી હોવા છતા આ વર્ષે પણ તંત્ર હાથ પર હાથ ધરીને બેસી રહ્યુ છે. જેથી ઊનાળામાં આવા દ્રશ્યો ન સર્જાય તેના માટે તંત્ર આગોતરૂ આયોજન કરે તેવી લોકોએ માગણી કરી છે. પીવાના પાણી સાથે ખેડૂતોને સિંચાઈનું પાણી પણ મળી રહે તેવું આયોજન તંત્ર કરે એવું લોકો ઈચ્છી રહ્યા છે.