સંયુક્ત રાષ્ટ્રની કમાન આજથી ભારતના હાથમાં – ભારત અધ્યક્ષ સ્થાને આવતા જ પાકિસ્તાનના ઉડી ગયા હોંશ, જાણો શું કહ્યું
- સંયુક્ત રાષ્ટ્રની કમાન આજથી ભારત સંભાળશે
- પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું
દિલ્હીઃ- આજે એટલે કે 1લી ઓગસ્ટથી સમગ્ર મહિના માટે, વિશ્વની સૌથી શક્તિશાળી સંસ્થા, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કમાન ભારતના હાથમાં આવી ગઈ છે. આજથી, ભારત યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલનું પ્રમુખપદ સંભાળતું જોવા મળશે અને આ મહિના દરમિયાન તે દરિયાઇ સુરક્ષા, શાંતિ જાળવવાની કવાયત અને આતંકવાદ પર મજબૂત હુમલો કરવા માટે સજ્જ જોવા મળે છે. જોકે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રમુખ તરીકે ભારતનો રાજ્યાભિષેક પાકિસ્તાન માટે ચિંતાનો વિષય બન્યો છે. આતંકવાદ સામે લાલ આંખ કરવાના ભારતના સંકલ્પથી ડરતા પાકિસ્તાને આશા વ્યક્ત કરી હતી કે ભારત તેના કાર્યકાળ દરમિયાન નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરશે.
ઉલ્લેખનીય છે કે ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો અસ્થાયી સભ્ય છે અને બે વર્ષનો તેનો કાર્યકાળ છે. ભારતે રવિવારથી 15 સદસ્યીય સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અધ્યક્ષ તરીકે કાર્યભાર હવે સંભાળી લીધો છે.
પાકિસ્તાની વેબસાઇટ ડોન પ્રમાણે પાકિસ્તાન વિદેશ કાર્યાલયે શનિવારે આશા વ્યક્ત કરી હતી કે ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રમુખ તરીકે તેમના મહિનાના કાર્યકાળ દરમિયાન નિષ્પક્ષ રીતે કાર્ય કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાહિદ હાફીઝ ચૌધરીએ ડોનના એક સવાલનો જવાબ આપતા કહ્યું કે પાકિસ્તાન અપેક્ષા રાખે છે કે ભારત તેમના કાર્યકાળ દરમિયાન સુરક્ષા પરિષદના પ્રમુખપદના સંચાલનને લગતા સંબંધિત નિયમો અને ધોરણોનું પાલન કરે.
ફરી એક વખત કાશ્મીરનો રાગ આલાપતા પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, કારણ કે ભારતે આ અધ્યક્ષ પદ સંભાળ્યું છે, અમે તેને ફરી એક વખત યાદ અપાવવા માંગીએ છીએ કે તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના જમ્મુ -કાશ્મીરના પ્રસ્તાવોને લાગુ કરે
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનનો આ ભય એટલા માટે પણ છે કે જ્યારે ભારત એક મહિના સુધી અધ્યક્ષ પદ પર રહેશે, ત્યારે કાશ્મીર અંગેનો તેનો પ્રચાર કામ કરી શકશે નહીં. આ સિવાય પાકિસ્તાનના ડરનું એક કારણ એ છે કે તે અફઘાનિસ્તાનમાં તાલિબાનને ટેકો આપે છે, જ્યારે ભારતે હંમેશા ત્યાં રાજકીય ઉકેલ શોધવાની વાત કરી છે અને શાંતિની તરફેણમાં રહ્યું છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાનને ડર છે કે ભારત તેના કાર્યકાળ દરમિયાન અફઘાનિસ્તાનમાં તેના નાપાક પ્રયાસોને પૂર્ણ થવા દેશે નહીં.