મોરબીઃ ગુજરાતમાં બ્રિજ પર ગાબડાં પડવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે વાંકાનેરનો બાયપાસ રોડ પર મચ્છુ નદી પરનો પુલ મધ્યભાગમાંથી બેસી જતા જોખમી બન્યો છે. આથી તાકીદની અસરથી માટી ઠાલવી વાહનોની અવરજવર માટે બ્રિજને બંધ કરવાની ફરજ પડી છે. આ મામલે માર્ગ અને મકાન વિભાગે તપાસ શરૂ કરી છે. અને વડી કચેરીને રીપોર્ટ કરતા ગાંધીનગરથી ટીમ પુલની ચકાસણી માટે આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.
વાંકાનેર બાયપાસ પરનો મચ્છુ નદી પરનો બ્રિજ 24 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજ ઘણા સમયથી ક્ષતિગ્રસ્ત બન્યો હતો. ત્યારે હાલ વરસાદી સીઝનમાં બ્રીજ મધ્યભાગમાંથી બેસી ગયો હતો. જેની જાણ થતાં જ માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ દાડી ગયા હતા. અને પ્રાથમિક તપાસમાં આ બ્રિજ વાહન વ્યવહાર માટે જોખમી લાગતા બ્રિજ પર માટી ઠાલવીને બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે.
માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, વાંકાનેર શહેરમાં બાયપાસ રોડ ઉપર રાતીદેવડી તેમજ પંચાસર રોડને જોડતો મચ્છુ નદી ઉપર બનાવવામાં આવેલો પુલ અચાનક જ વચ્ચેથી બેસી ગયો હતો. જેથી જાણ થતા માર્ગ અને મકાન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પુલ પરથી અવરજવર જોખમી સાબિત થાય તેમ હોવાથી પુલ બંધ કરવામાં આવ્યો છે. વાંકાનેરના જડેશ્વરની નેશનલ હાઈવેને જોડતા મચ્છુ નદીના પુલને હાલમાં બંધ કરવામાં આવતા વાંકાનેર શહેરમાંથી તમામ વાહનો પસાર થઈ શકશે. વર્ષ 2000માં બનેલ આ પુલ ઉપરથી હેવી વાહનો પસાર થવાને કારણે પુલ બેસી ગયો હોવાનું પ્રાથમિક તારણ તંત્ર દ્વારા કાઢવામાં આવ્યું છે. પુલની તપાસ માટે ગાંધીનગરથી ટીમ આવશે.