Site icon Revoi.in

કરોડોના ખર્ચે બનેલા ખોરજ બ્રીજમાં ગાબડું પડતા બ્રીજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદને લીધે  રોડ-રસ્તાઓ અને નવા બનાવેલા બ્રીજ તૂટી જવાના બનાવો પણ બન્યા છે. જેમાં થોડા મહિના અગાઉ જ કરોડોના ખર્ચે નિર્માણ કરવામાં આવેલા ગાંધીનગર-અમદાવાદ વચ્ચેના ખોરજ બ્રિજમાં સામાન્ય વરસાદ પડતાં જ આશરે 10 ફૂટનું ગાબડું પડી જવાથી હાલ બ્રિજને બંધ કરી દેવાની નોબત આવી છે. જેમાં કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા સ્થાનિક પોલીસને ભર વરસાદમાં ખડેપગે ઉભા રહેવાની ફરજ પડી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં તાજેતરમાં પડેલા વરસાદે તંત્રના નબળા બાંધકામની પોલ ખોલી નાંખી હતી. જેમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા ખોરજથી અદાણી શાંતિગ્રામ તરફના છેડે બ્રિજમાં ગાબડું પડી જતાં અત્રે વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બ્રીજ આજુબાજુની માટી ઘસી પડતા અને બ્રીજની દીવાલમાં પણ ગાબડું પડતા ત્વરિત બ્રીજ વાહન-વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ખોરજ ગામની રાજયોગ સોસાયટી સામે નેશનલ હાઈવે પર મસમોટું ગાબડું પડયું હતું. જેના લીધે નજીકનો રોડ બેસી ગયો હતો. આ અંગે ગ્રામજનોએ સવારે જાણ કરતાં તંત્રએ બેરિકે’ મૂકી બ્રિજનું ગાબડું કપડાથી ઢાંકી દઈ બેરીકેટ મૂકી દીધા હતા. જો કે સાંજ પડતાં ફરીવાર વરસાદ વરસતા સ્થિતિ વધુ વણસી હતી. અને ટ્રાફિક જામ થઇ ગયો હતો. અને બ્રિજને બંધ કરી ટ્રાફિક ડાઈવર્ટ કરવામાં આવ્યો હતો. જેનાં કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વખત આવ્યો હતો. ગાંધીનગર-સરખેજ હાઈવે પર સૌથી વધુ ટ્રાફિક જોવા મળતો હોય છે. અને ગાંધીનગર જતો-આવતો ટ્રાફિક ખોરજ બ્રીજ પરથી પસાર થાય છે. ત્યારે સામાન્ય વરસાદમાં બ્રીજ ક્ષતિગ્રસ્ત બનતા લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.