નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં આવકવેરાના બજેટમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. બજેટમાં નવી ટેક્સ સિસ્ટમ માટે ટેક્સ સ્લેબની પણ જાહેરાત કરવામાં આવી છે.
નવી કર વ્યવસ્થામાં વ્યક્તિગત આવકદર પર નાણામંત્રી સીતારમણએ જણાવ્યું હતું કે, નવી કર વ્યવસ્થા હેઠળ 0થી 3 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નથી. રૂ. 3થી 7 લાખ સુધી આવક પર પાંચ ટકા અને 7થી 10 લાખ સુધીની આવક ઉપર 10 ટકા લગાવવામાં આવ્યો છે. જ્યારે 10થી 12 લાખ સુધી આવક પર 15 ટકા અને 12થી 15 લાખ સુધીની વાર્ષિક આવક ઉપર 20 ટકા અને 15 લાખથી વધુની આવક ઉપર 30 ટકા ટેક્સ લાગશે.સરકારે સ્ટાન્ડર્ડ ડિડ્કશનને રૂ. 50 હજારથી વધારે 75 હજાર કરી દેવાયો છે.
પારિવારિક પેન્શન પર છૂટની મર્યાદા 15 હજારથી વધારીને રૂ. 25 હજાર કરાઈ છે. નાણામંત્રીએ કહ્યું કે, હાલના દિવસોમાં ચાર કરોડ નોકરીયાત વર્ગ અને પેન્શનધારકોને ફાયદો થશે. નાણામંત્રીએ કહ્યું કે, ‘આવક વેરા અધિનિયમ 1961ની વ્યાપક સમીક્ષા કરવામાં આવશે. જે ટેક્સ સંબંધિત વિવાદો અને મુકદ્દમામાં ઘટાડો કરશે. તેને 6 મહિનામાં પૂર્ણ કરવાની દરખાસ્ત છે. નાણાપ્રધાને કહ્યું કે ‘આવક વેરાની આકારણી 3 વર્ષ પછી માત્ર એવા કેસમાં જ ફરીથી ખોલવામાં આવશે જ્યાં બાકીની આવક 50 લાખ રૂપિયા અને તેનાથી વધુ છે.’
નાણામંત્રીએ કહ્યું કે ‘લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ 10 થી વધારીને 12.5% કરવામાં આવ્યો છે અને લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ મુક્તિ 1 લાખ રૂપિયાથી વધારીને 1.25 લાખ રૂપિયા કરવામાં આવી છે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 15% થી વધીને 20% થયો.