નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રજૂ થયેલા બજેટને “વચગાળાનું બજેટ જ નહીં, પણ સર્વસમાવેશક અને નવીન બજેટ” તરીકે બિરદાવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આ અંદાજપત્રમાં સાતત્યનો વિશ્વાસ છે.” પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “આ બજેટ વિકસિત ભારતનાં તમામ આધારસ્તંભો – યુવાનો, ગરીબો, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવશે.” નાણામંત્રી નિર્મલા સીતારામનના વિઝનની પ્રશંસા કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, “નિર્મલાજીનું બજેટ દેશના ભવિષ્યના નિર્માણ માટેનું બજેટ છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “આ અંદાજપત્રમાં 2047 સુધીમાં વિકસિત ભારતનો પાયો મજબૂત કરવાની બાંયધરી આપવામાં આવી છે.”
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, “આ બજેટ યુવા ભારતની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે.” તેમણે બજેટમાં લેવાયેલા બે મહત્ત્વપૂર્ણ નિર્ણયો પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, “સંશોધન અને નવીનીકરણ માટે રૂ. 1 લાખ કરોડના ભંડોળની જાહેરાત કરવામાં આવી છે.” આ ઉપરાંત તેમણે બજેટમાં સ્ટાર્ટઅપ્સ માટે કરમુક્તિના વિસ્તરણ પર પ્રકાશ પાડ્યો હતો.
રાજકોષીય ખાધને નિયંત્રણમાં રાખીને પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, આ બજેટમાં કુલ ખર્ચ વધીને રૂ. 11,11,111 કરોડ થયો છે. “અર્થશાસ્ત્રીઓની ભાષામાં, પીએમ મોદીએ કહ્યું, “આ એક પ્રકારનું સ્વીટ સ્પોટ છે”. તેમણે ઉમેર્યું હતું કે, તેનાથી ભારતમાં 21મી સદીનું આધુનિક માળખું ઊભું થવાની સાથે યુવાનો માટે રોજગારીની લાખો નવી તકોનું સર્જન થશે. તેમણે વંદે ભારત સ્ટાન્ડર્ડની 40,000 આધુનિક બોગીઓનું ઉત્પાદન કરવાની અને તેને સામાન્ય પેસેન્જર ટ્રેનોમાં સ્થાપિત કરવાની જાહેરાત વિશે પણ માહિતી આપી હતી, જે દેશના વિવિધ રેલ માર્ગો પર કરોડો મુસાફરોની આરામદાયક અને મુસાફરીનો અનુભવ વધારશે.
મહત્વાકાંક્ષી લક્ષ્યો નક્કી કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, “અમે એક મોટું લક્ષ્ય નક્કી કરીએ છીએ, તેને પ્રાપ્ત કરીએ છીએ અને પછી પોતાના માટે આનાથી પણ મોટું લક્ષ્ય નક્કી કરીએ છીએ.” ગરીબ અને મધ્યમ વર્ગના કલ્યાણ માટે સરકારનાં પ્રયાસોનો ઉલ્લેખ કરીને તેમણે ગામડાં અને શહેરોમાં 4 કરોડથી વધારે મકાનોનું નિર્માણ કરવા તથા વધુ 2 કરોડ મકાનોનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક વધારવાની જાણકારી આપી હતી. મહિલાઓના સશક્તિકરણ પર ભાર મૂકતા પીએમ મોદીએ કહ્યું કે, “અમારું લક્ષ્ય મહિલાઓમાં 2 કરોડ ‘લખપતિ’ બનાવવાનું હતું. હવે, 3 કરોડ ‘લખપતિ’ બનાવવાનું આ લક્ષ્ય વધારવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રીએ આયુષ્માન ભારત યોજનાનાં ગરીબો માટે નોંધપાત્ર સહાય કરવા, આંગણવાડી અને આશા કાર્યકર્તાઓને આ યોજનાનાં લાભ આપવા બદલ તેની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ આ બજેટમાં ગરીબ અને મધ્યમ વર્ગને તેમના માટે નવી તકો ઉભી કરીને તેમને સશક્ત બનાવવા પર સરકારના ભાર પર ભાર મૂક્યો હતો. તેમણે રૂફ ટોપ સોલર કેમ્પેઇનનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં 1 કરોડ પરિવારો નિઃશુલ્ક વીજળીનો લાભ લેશે, ત્યારે સરકારને વધારાની વીજળી વેચીને દર વર્ષે રૂ. 15,000થી રૂ. 18,000ની આવક પણ મેળવે છે.
પ્રધાનમંત્રીએ આજે જાહેર થયેલી આવકવેરા માફી યોજનાનો ઉલ્લેખ કર્યો હતો, જે મધ્યમ વર્ગનાં આશરે 1 કરોડ નાગરિકોને રાહત પ્રદાન કરશે. અંદાજપત્રમાં ખેડૂતોનાં કલ્યાણ માટે લેવાયેલાં મુખ્ય નિર્ણયો વિશે બોલતાં મોદીએ નેનો ડીએપીનાં ઉપયોગ, પશુઓ માટે નવી યોજના, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનાં વિસ્તરણ અને આત્મનિર્ભર ઓઇલ સીડ અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો, જે ખેડૂતોની આવકમાં વધારો કરશે અને ખર્ચમાં ઘટાડો કરશે. પ્રધાનમંત્રીએ ઐતિહાસિક બજેટ પર તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવીને પોતાનું સંબોધન પૂરું કર્યું હતું.