Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીમાં મળશે, મુલાકાતીઓને નહીં અપાય પ્રવેશ

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં મળશે. જેને લઈને નાણા મંત્રી નીતિન પટેલ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નાણા મંત્રીએ વિભાગવાર સમીક્ષા શરૂ કરી છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇને વિધાનસભા બજેટ સત્ર દરમિયાન મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.

પ્રાપ્ત માહિતી અનુસાર બજેટને લઈને નીતિન પટેલ દ્વારા વિભાગવાર સમીક્ષાઓ કરવામાં આવી રહી છે. આ સમીક્ષા દરમિયાન નવી યોજનાઓ અને ચાલુ ખર્ચની બાબતો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. નવી બાબતો અને દરખાસ્તો પર મંત્રીઓ સાથે અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા ચલાવી રહ્યા છે. આમ નાણામંત્રી નીતિનભાઈ પટેલ 9મી વખત બજેટ રજૂ કરશે. અત્યાર સુધી સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ભાજપના પૂર્વ નાણામંત્રી અને કર્ણાટકના વર્તમાન રાજ્યપાલ વજુભાઈ વાળાના નામે છે. જેમણે 18 વખત બજેટ રજૂ કર્યું હતુ.

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના જણાવ્યા અનુસાર ,આગામી બજેટ સત્ર દરમિયાન કોવીડ-19ની ગાઈડલાઈન ચુસ્તપણે પાલન કરવાની સાથે કેટલાક ફેરફાર માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં ગૃહની અંદરની બેઠક વ્યવસ્થાની સાથો સાથ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે થઈને પ્રેક્ષક ગેલેરીમાં પણ ધારાસભ્યોને બેસાડવામાં આવશે. એના માટે થઈને કેટલાક સુધારા-વધારા કરવાની જરૂરિયાત ઊભી થઇ છે તેને લઇને ચર્ચા વિચારણા ચાલી રહી છે.