નવી દિલ્હીઃ લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમને રજૂ કરેલું બજેટ અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની સાથે સામાન્ય માણસ માટે ઘણી નવી તકો ઊભી કરશે. આ બજેટનું મહત્ત્વનું પાસું ગરીબોનું કલ્યાણ છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દરેક ગરીબ પાસે પાકું ઘર હોવું જોઈએ, નળમાંથી પાણી, શૌચાલય, ગેસની સુવિધા આ બધા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ સાથે, આધુનિક ઇન્ટરનેટ કનેક્ટિવિટી પર સમાન ભાર મૂકવામાં આવે છે. દેશમાં પ્રથમ વખત હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પૂર્વ જેવા વિસ્તારો માટે પર્વતમાલા યોજના શરૂ કરવામાં આવી રહી છે. આ યોજના પહાડો પર ટ્રાંસપોર્ટનીની આધુનિક વ્યવસ્થા ઉભી કરશે. આ બજેટમાં ક્રેડિટ ગેરન્ટીમાં વિક્રમી વધારાની સાથે અન્ય ઘણી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. ડિફેન્સના કેપિટલ બજેટના 68% સ્થાનિક ઉદ્યોગ માટે અનામત રાખવાનો મોટો લાભ, ભારતના MSME ક્ષેત્રને મળશે.