ભાવનગરઃ રાજ્યમાં નવા બનાવેલા પુલો તેમજ સરકારી ઈમારતોના નબળા બાંધકામની કાયમ બુમો ઉઠતી હોય છે. સરકાર દ્વારા બાંધકામોનો કોન્ટ્રાક્ટ અપાતો અપાતો હોય છે. અને નબળા બાંધકામ સામે કોઈ મોનિટરિંગ કરાતું નથી. અને તેના લીધે સરકારી બહુમાળી બિલ્ડીંગો તેના આયુષ્ય કરતા વહેલા જર્જરીત બની રહ્યા છે. ભાવનગરમાં સરકારી મેડિકલ કોલેજ અને સર ટી. હોસ્પિટલના બિલ્ડીંગ માત્ર 20 વર્ષમાં જ જર્જરિત થઈ ગયા છે. મેડિકલ કોલેજની બિલ્ડીંગને તાત્કાલિક ખાલી કરવા નોટિસ આપી દેવામાં આવી છે. જ્યારે સર ટી હોસ્પિટલનું નવું બિલ્ડીંગ પણ ખાલી પણ કરી નાખવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે મેડિકલ કોલેજનું બિલ્ડિંગ તેમજ સર ટી હોસ્પિટલનું નવું બિલ્ડિંગ બનાવવાનાં આવ્યું હતું. આ બન્ને બિલ્ડિંગ માત્ર 20 વર્ષ કે તેનાથી પણ ઓછા સમયમાં જર્જરિત બની ગયા છે. અને દુર્ઘટના સર્જાય તે પહેલા જ બન્ને બિલ્ડિંગો ખાલી કરવાની નોટિસો આપી દેવામાં આવી છે. કોઈપણ બહુમાળી બિલ્ડિંગોની આયુષ્ય સામાન્ય રીતે 35 વર્ષથી વધુ હોય છે. પરંતુ મજબૂત બાંધકામ અને નિયમિત મેન્ટેનન્સ કરવાથી 50 કે 60 વર્ષ સુધી પણ બિલ્ડીંગોને કંઈ થતું નથી. ભાવનગર શહેરમાં અનેક ઇમારતો મહારાજાના સમયની છે જે હાલમાં પણ અડીખમ છે. પરંતુ ભાવનગરની સરકારી મેડિકલ કોલેજનું નિર્માણ વર્ષ 2000 માં થયું હતું. અને 20 વર્ષમાં જ આ બિલ્ડીંગનું બાંધકામ એટલું જર્જરિત થઈ ગયું હશે કે, ફેબ્રુઆરી 2021માં ગાંધીનગર પીઆઇયું દ્વારા મેડિકલ કોલેજનો વપરાશ ભયજનક હોવાનું અને તાત્કાલિક ખાલી કરાવી વૈકલ્પિક વ્યવસ્થાનું જણાવ્યું હતું. ત્યારબાદ માર્ચ 2021 માં કમિશનરેટ ઓફ હેલ્થ પી.આઈ.યુ. ગાંધીનગર દ્વારા આનંદજીવાલા ટેકનિકલ કન્સલ્ટન્સી પાસે કરાવેલા સ્ટ્રકચર એનાલિસિસ અને જુદા જુદા કરાવેલા ટેસ્ટ રિપોર્ટમાં પણ કોલેજ સ્થળાંતર કરી તાત્કાલિક રીનોવેશન કરવાની સલાહ કરી હતી. જયારે સર ટી. હોસ્પિટલનું નવું બિલ્ડીંગ કરોડોના ખર્ચે વર્ષ 2004 માં નિર્માણ થયું હતું. પરંતુ 19 વર્ષમાં તે બિલ્ડીંગ પણ જર્જરિત થઇ ગયું છે. જેથી નવા બિલ્ડીંગના તમામ વિભાગને જુના બિલ્ડીંગ અને ટ્રોમા સેન્ટરમાં ફેરવી નાખ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરમાં માત્ર 19-20 વર્ષમાં જ બન્ને સરકારી બિલ્ડીંગો જર્જરિત બની ગયા છે. જે તંત્રની બેદરકારી અને નબળા બાંધકામની શંકા ઉપજાવે છે. તેવી જ રીતે ભાવનગરના બહુમાળી ભવનની પણ હાલત દયનિય બની ગઈ છે. પરંતુ તેની સામે કડકાઈ દાખવવામાં મ્યુનિ. કોર્પોરેશન પણ મજબુર હોય તેવું લાગે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાવનગર સરકારી મેડિકલ કોલેજનું બિલ્ડીંગ જર્જરીત જાહેર થયા બાદ વારંવાર વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરતા ખુદ ડીન દ્વારા જ યુનિવર્સિટી કેમ્પસમાં ગ્રંથાલયની બાજુમાં ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવવાનું જણાવ્યું હતું. સરકાર દ્વારા તેને મંજૂરી પણ અપાયેલી છે. અને એક વર્ષ પહેલા 70 લાખથી વધુના ખર્ચે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ વાસ્તવમાં કોઈ નક્કર કામગીરી કરી નથી.